________________
(૧૯)
સંયોગો જોવા મળે છે, તેવા નિમિત્તમાં જીવ રાગ-દ્વેષ કરે છે, તેથી મુક્ત થવા કહે છે : સંયોગો બધા છૂટી જવાના છે, તો નાશવંત વસ્તુ માટે મારા આત્માને શા માટે ક્લેશિત કરું ? સર્વ અવસ્થામાં, રાગ કે દ્વેષ વખતે તેમ જ ભક્તિ કે સ્મરણ વખતે આત્મા હાજર જ છે. તેના તરફ ઉપયોગ દેવાની ટેવ, હવે તો મારે પાડવી ઘટે છે. માટે જે થઈ ગઈ, તે વસ્તુ ઉપરથી શિખામણ લઈ, તેવો દોષ ફરી નથી થવા દેવો એવો નિશ્ચય કરી, આ મનુષ્યભવમાં જ્ઞાની પુરુષ મળ્યા છે, તેમણે આજ્ઞા આપી છે, ચેતાવ્યા છે તો તેમનું કહેલું કરી, આ મનુષ્યભવ સફળ કરી, સમાધિમરણ કરવાનો લાભ જરૂર લઈ લેવો ઘટે છેજી. આ, ટૂંકામાં, ઉપરની કડીનો અર્થ છે, તે તમે લખેલા પત્રના ઉત્તરરૂપ સમજવા જેવો છેજી. બની ગયેલ વાત ભૂલી જઇ, ભવિષ્યની સંભાળ લેવી ઘટે. (બો-૩, પૃ.૪૮૯, આંક પ૨૪)
પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણ ગેહ;
સાધક દૃષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ. કર્મમળરહિત, વિભાવરહિત, ગુણના ધામ એવા ભગવાન તે સાધ્ય છે. તેમને ઓળખી, તે દશા મારે પામવી છે, એમ સાધવૃષ્ટિ કરીને, જે ભગવાનને વંદે છે, તે નરને ધન્ય છે. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૧)