________________
(૧૩) જ્ઞાની પુરુષોને એમ લાગે છે કે ઉપર જણાવ્યાં તેવાં કારણોથી અજ્ઞાની જીવ ડરે છે, પરંતુ તે કારણોનો સદુપયોગ કરે તો અને પુરુષના યોગે સુવિચારણાથી સંસારનું સ્વરૂપ વિચારે તો તેવાં કારણો વડે જીવનપલટો થવાનો સંભવ છે. નિઃશંકપણે જ્ઞાનીની આજ્ઞા આરાધે તો વ્યાધિ, પીડા આદિ નિર્ભય થવાનાં સાધનો બને છે; કારણ કે તેથી દેહાધ્યાસ ઓછો થાય છે, જ્ઞાનીપુરુષનાં વચનો સત્ય લાગે છે, સમાધિમરણ કરવાનું બળ પ્રાપ્ત થાય છે, સર્વ દુઃખથી તે અભય થાય છે. આવી કડવી દવા, તે ભવથી ત્રાસ પામ્યો હોય, તેને મીઠી લાગે છે. મહાપુરુષો મોક્ષ માગવાને બદલે, ઉપર જણાવેલાં લાભનાં કારણો જેમાં રહ્યાં છે એવા દુઃખને માગે છે; કારણ કે જેથી કલ્યાણ થાય તે જ કરવું છે, એવો જેનો નિશ્રય છે તે, પછી માર્ગ સરળ કે કઠણ જોતો નથી, કલ્યાણ તરફ જ તેનો લક્ષ હોય છે. માટે મહાપુરુષોને માર્ગે ચાલવું હોય તેણે દુઃખો સહન કરવારૂપ ભાવનાનું ભાથું સાથે બાંધવા યોગ્ય છે. જે ઉપર-ઉપરથી દુઃખો જણાય છે, તે સમ્યક પ્રકારે સહન થાય તો તે પરમાત્માની કૃપારૂપ માનવા યોગ્ય છે. માટી, ખાણમાંથી કુંભાર લાવે છે; તેને ગધેડે ચઢાવીને ફજેત કરે છે; પાણી રેડીને પગથી ખૂંદે છે; ચાક ઉપર મૂકીને ફેરવે છે; ઘડાનો આકાર થયા પછી પણ કેટલાં બધાં ટપલાં સહન કરે છે; અગ્નિમાં પાકે છે ત્યારે પાણી ભરવાને લાયક થાય છે. તેમ આ જીવ નરક-નિગોદ આદિ ભાવોમાં ઘણાં દુ:ખ સહન કરતો, વગોવાતો આવ્યો છે, કચડાયો છે, પિલાયો છે, ભમ્યો છે, દુઃખનાં ટપલાં સહન કર્યા છે, પરંતુ જો સગુરુના બોધમાં તવાય તો શાશ્વત જીવનને યોગ્ય થાય, અજર અમર પદને પામે. સુખમાં જીવ લૂંટાય છે અને દુઃખમાં વિચાર કરે તો અનેક અશરણ આદિ ભાવનાઓ દ્રષ્ટિ ફેરવવા મદદ કરે છે. (બી-૩, પૃ.૬૨૭, આંક ૭૩૩)
સમાધિશતક (ગાથા ૧૦૨) :
અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી;
તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુખે વસી. શાતાના વખતમાં દેહથી આત્મા ભિન્ન છે એમ સાંભળીને કંઈક અભ્યાસ કર્યો હોય, પણ આત્મજ્ઞાનની દૃઢતા ન થઈ હોય તો દુઃખના પ્રસંગે દેહમાં વૃત્તિ તદાકાર થઈ જવાથી બહુ દુઃખી છું, મને તાવ આવ્યો છે, હું મરી જઈશ' આદિ વિકલ્પો જીવને હેરાન કરે છે; એમ જાણીને આત્માર્થી પુરુષો આત્મભાવનાના અભ્યાસ વખતે, યથાશક્તિ દુ:ખ સહન કરવાનું પણ રાખે છે, કારણ કે તેથી સહનશીલતા પણ વધતી જાય છે, એટલે દુઃખ ન હોય તોપણ દુ:ખ ઊભું કરે છે. કષ્ટ લાગે તેવું આસન રાખે, છાયામાંથી તડકે જઈને અથવા તો ટાઢના પ્રસંગમાં શીત સહન કરવી પડે તેવા સ્થાને જઈને “દેહથી આત્મા ભિન્ન છે' એવો અભ્યાસ કરે છે. કાયક્લેશાદિ તપ પણ એ અર્થે છે. જેની દ્રષ્ટિ ફરી ગઈ છે એટલે જગતમાં સુખબુદ્ધિ જેને નથી, તેને તો અશાતા વેદનીયકર્મનો ઉદય થયે, સહેજે આત્મભાવનાની વૃદ્ધિનું કારણ સમજાય છે; એવા પ્રસંગ કલ્યાણકારી લાગે છે. આ વાત વારંવાર વિચારવા યોગ્ય છે.