________________
૧૫
જાય. આજ્ઞાએ વર્તો હોત તો ફરી જન્મવું ન પડત. એટલી કાનબૂટી ઝાલે તો જીવને થાય કે જ્ઞાનીની આજ્ઞા એ જ મારું જીવન છે.
જેને જ્ઞાનીનો સંગ થયો છે, તેને પછી વધારે ભવ કરવાના રહે નહીં. આજ્ઞાએ વર્તે તો જીવને સમકિત પમાડી મોક્ષે લઇ જાય. આજ્ઞા એ સમકિતનું કારણ છે. જીવને તેનું માહાત્મ્ય નથી લાગ્યું. કંઇ નહીં, બે ભવ વધારે થશે ! એમ જીવ કરે છે. તરવાનું સાધન મળ્યું, તે પ્રાણ જતાં પણ છોડવું નહીં. (બો-૧, પૃ.૩૦૪, આંક ૫૮)
n પત્રાંક ૫૩૭
આ પત્ર, બહુ વાર, વારંવાર વિચારી, બને તો મુખપાઠ કરવા યોગ્ય છેજી. તેમાં મુમુક્ષુએ શું કર્તવ્ય છે ? મૂળ ભૂલ શું છે અને તે કેમ કાઢવી ? તથા કેવા પુરુષાર્થમાં રહેવું અને શું કરે તો તે બધું કરી ચૂક્યો ગણાય, તે વિષે સરળ શબ્દોમાં, અનેક શાસ્ત્રોના સારરૂપ, આપણા જેવા બાળજીવોને મોક્ષમાર્ગની સમજ આપે, તેવો પત્ર તે છે. તે પરમપુરુષે કેટલી દયા કરી, આ બાળકને ત્રિવિધ તાપથી બળતો બચાવવા, ઠોકી-ઠોકીને મૂળ વાત જણાવી છે, તે હ્રદયમાં રહે તો વૈરાગ્ય સહજ સ્વભાવરૂપ થઇ જાય તેવો પત્ર છેજી.
મહાપુરુષે માર્ગ બતાવવાનું, તેમનું કાર્ય કર્યું. આપણે તે માર્ગે ચાલવાનું કામ, હવે કરવાનું છે. તે ખરા દિલથી કરવા માંડીશું તો મોક્ષનું કામ, અત્યારે લાગે છે તેવું, ભારે નહીં લાગે; કારણ કે સત્પુરુષનો કે યોગ ન થયો હોય ત્યાં સુધી, જીવને બાહ્યદૃષ્ટિ હોવાથી, જે જે પુરુષાર્થ કરે તે સંસારનું કારણ થવાનો સંભવ છે, પણ સત્પુરુષ જેવા લિંગ ધણી કર્યા પછી તેમનાં વચનને હ્દયમાં જાગ્રત રાખી, વિષય-કષાય શત્રુઓની સામે સત્પુરુષે આપેલાં સાધનરૂપ શસ્ત્રથી લડવાનું છે. બળ તો આપણે જ કરવું પડશે, પણ તે કામ મારે જરૂર કરવું છે એવો જેનો નિશ્ચય છે, તેને સત્પુરુષને શરણે તેની આજ્ઞાએ વર્તતાં, તેનાં આપેલાં હથિયાર વાપરવાનું બળ મળી રહે છે, એ નિઃશંક વાત છે.
હવે કહેવાતા મુમુક્ષુ નથી રહેવું, પણ પોતાનું નથી તે મૂકનારા, મમતા તજનારા મુમુક્ષુ થવું છે, એવો જો એક વાર દૃઢ નિશ્ચય કરી લીધો, તો સર્વ સાધન સવળાં, સત્સાધન થશેજી.
વિચારવાનને પોતાનું હિત વિશેષ કેમ સધાય, તે વિચારતા રહેવાની રોજ જરૂર છેજી. (બો-૩, પૃ.૧૮૪, આંક ૧૮૮)
એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. (૫૩૭)
તમે પૂછ્યું, તો શું બાકી રહી જાય છે ? ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે ‘‘યમ નિયમ સંજમ આપ કિયો'' શું રહી જાય છે, તે જણાવવા જ લખ્યું છે. છેલ્લી કડી : ‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.'' આથી વિશેષ કંઇ સૂઝતું નથી. (બો-૩, પૃ.૫૯૩, આંક ૬૭૨)
શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. (૬૦૨)
આગમ શાસ્ત્રોના બે ભેદ છે : કાલિક અને ઉત્કાલિક. શાસ્ત્રોને માટે અમુક કાળે શાસ્ત્ર વાંચવું, એવો નિયમ છે. અમુક સમયે જે શાસ્ત્ર વાંચવાનું છે, તે બીજે કાળે વાંચે તો પાપ લાગે.