________________
સમાન જહાજ જ અમારો આધાર છે, આશ્રયસ્થાન છે. એમ એ ગાથા વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૧૭, આંક ૫૬૧)
કાળ દોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. (૨૬૪-૯)
પરમકૃપાળુદેવે આ કાળને કળિકાળ કેમ કહ્યો છે તેના કારણમાં, મુખ્ય અનધિકારીપણું અને પુરુષાર્થની હીનતા, એ કારણો કહ્યાં છે.
૧૫૧
સત્પુરુષનો યોગ ઓછો,
તેવા વખતમાં જીવ ન્યાયનીતિ અને સામાન્ય વ્રતનિયમાદિ વડે યોગ્યતા મેળવવા પુરુષાર્થ કરે તો તે મર્યાદાધર્મ આરાધી શકે છે; તે પણ ન બને તો જીવને ઘણી વ્યાકુળતા થવી જોઇએ. પાણીમાંથી બહાર કાઢેલી માછલી તરફડે તેમ આત્મહિતનાં કારણોથી દૂર રહેવાય, ત્યાં જીવને મૂંઝવણ થવી જોઇએ; તે ન થાય તો જીવને કર્મનો બોજો વિશેષ છે એમ સમજવા યોગ્ય છે, એટલે માથે ભાર ઘણો છે, તે અલ્પ આયુષ્યમાં પતાવી દેવા વિશેષ પુરુષાર્થની જરૂર છે. શિથિલતા કોઇ રીતે હિતકારી નથી. ઇન્દ્રિયના વિષયોમાં રાચવા યોગ્ય નથી. આ, તે ગાથાનો ટૂંકો ભાવાર્થ છેજી.
આપ વિશેષ વિચારી, આત્મા ઊંચો આવે તેમ વર્તશોજી. (બો-૩, પૃ.૭૪૩, આંક ૯૧૪) તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં. (૨૬૪-૧૧)
સત્પુરુષનું જેને ઓળખાણ થયું છે, તેને પોતાનાં અહોભાગ્ય પ્રગટ થયાં એમ ગણવા યોગ્ય છે; તેના યોગે આ અપાર ભવસાગર જરૂર તરાશે એવી તેને દૃઢતા હૃદયમાં થાય છે; પણ કોઇ અંતરાય કર્મના યોગે તેનો વિયોગ રહેતો હોય તો તેના વિયોગમાં માત્ર તેની આજ્ઞામાં જ વૃત્તિ રાખીને રહેવું ઘટે છેજી, તેમ વર્તાય તો વિયોગ પણ કલ્યાણકારી નીવડે એમ છે. છતાં આ જીવની એવી અધમ દશા છે કે તે વિયોગ વારંવાર સાંભરી આવવો જોઇએ અને તે મહાપુરુષની સ્મૃતિની વિસ્મૃતિ કરાવનારી પ્રવૃત્તિ ઝેર જેવી લાગવી જોઇએ, તેને બદલે બોલ-બોલ કરવામાં અને અનર્થકારી રૂપાદિને નિહાળી તેમાં તલ્લીન થવાથી, તે શા માટે જન્મ્યો છે અને શામાં કાળ ગાળે છે, તેનું તેને ભાન રહેતું નથી. વચનની પ્રવૃત્તિ, બોલવારૂપ અને પરનાં અહિતકારી વચન સાંભળવારૂપ, સંયમમાં ન રહે તો તે સત્પુરુષને અને તેના બોધને ભુલાવી સંસારવર્ધક કર્મમાં પ્રેરે છે; તેમ જ ‘નયન યમ’ એટલે રૂપાદિ નિહાળવાની પ્રવૃત્તિનો સંયમ ન કરાય તો તેનું ફળ પણ તેવું જ આવે છે.
જેમ કોઇ પતિવ્રતા સ્ત્રીને તેના પતિનો વિયોગ રહેતો હોય તે કાળે, તે સારા શણગાર પહેરતી નથી તથા બીજાનાં શણગારેલાં શરીર જોતી નથી. બીજા માણસો સાથે બકબકાટ કરતી નથી, વાતોમાં ગૂંથાતી નથી; પણ પતિના ગુણગ્રામ ચિંતવતી સાદો ખોરાક, સાદો વેષ અને એકાંત સ્થાન સેવી દહાડા કાઢે છે, બધા શોખ તજી દે છે; તેમ સદ્ગુરુના વિયોગે ભક્તાત્માઓ બીજેથી વૃત્તિઓ પાછી વાળી સદ્ગુરુના ગુણો, ઉપકારો, તેણે જણાવેલ બોધમાં વૃત્તિ રાખી જીવે છે.
પણ હે પ્રભુ ! હું તો વચન, નયન આદિનો સંયમ સાધી શકતો નથી, તો મારી શી વલે થશે ? મારે એક સત્પુરુષને આધારે તરવું છે અને તેમાં વિઘ્ન કરનાર વૃત્તિઓનો ત્યાગ થતો નથી, તે મૂંઝવણ મુમુક્ષુજનોને રહ્યા કરે છે. તેનો પોકાર આ કડીમાં કર્યો છેજી.