________________
૧૪૯
બાવ્યા વિના, સાધન કરશે ય આવી લઘુતા ધારણ કરે તો જ અચિંત્ય માહાત્મ્ય સત્પુરુષનું લાગે. સત્પુરુષને સત્પુરુષરૂપે એટલે પરમેશ્વરતુલ્ય ગણે તો જ પોતાનું અહંપણું ટળે, ‘“અહંભાવથી રહિત'' થાય. પરમેશ્વરતુલ્ય સત્પુરુષને જે માને છે તે, સત્પુરુષનાં અંતઃકરણ કેટલા નમ્ર હોય છે તે પણ જાણી જાય છે. આખા જગતના દાસ થવાને તે ઇચ્છે છે, તો તેનો ભક્ત સર્વ પ્રાણી પ્રત્યે દાસભાવ કેમ ન રાખે ?
‘‘સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે.'' (૪૭) ‘‘વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી.'' (૫૦૫) અનંતકાળમાં આવો યોગ સાથે મળી ન આવ્યો. કોઇ વખતે જીવને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા તીવ્ર જિજ્ઞાસા જાગી હશે, યોગ્યતા મેળવી હશે; પણ સત્પુરુષના યોગ વિના તે યોગ્યતા કોઇ કારણે લૂંટાઇ ગઇ હશે; કોઇ વેળા સત્પુરુષનો યોગ પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે મળી આવ્યો હશે, ત્યાં જીવની યોગ્યતા વિના કે શિથિલતાને લઇને નિષ્ફળ વહ્યો ગયેલો; પણ બંને કારણો મળી આવ્યાં હોત તો મોક્ષ જરૂર થયો હોત.
વળી પત્રાંક ૧૯૪માં છે : ‘‘હે આયુષ્યમનો ! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.'' એ જ પત્રને મથાળે છે : ‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ (યોગ્યતા-અધિકારીપણું) થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.''
પત્રાંક ૧૯૬ પણ વિચારશોજી. તેમાં પણ જ્ઞાનીની આજ્ઞા, અને પ્રતિબંધ ટાળવા પુરુષાર્થરૂપ યોગ્યતા, એ બે કારણો ગણાવ્યાં છેજી. કલ્યાણ કરવામાં વિઘ્નરૂપ હોય તે પ્રતિબંધ રાગાદિરૂપ છે, તે ભાવરૂપ પ્રતિબંધ જેને અંતરંગમાં ન હોય, તેને બાહ્ય પ્રતિબંધ ‘પ્રારબ્ધ' વહેલામોડાં દૂર થવા સંભવે છેજી. ‘‘જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.’’ (૫૭૨)
પત્રાંક ૫૬૦, ૫૭૨, ૬૪૭, ૫૭૫, ૮૧૭ અને ૫૨૧ વિચારશોજી.
કાળજીપૂર્વક, શંકાઓની, નોટમાં જુદી નોંધ રાખતા જઇ, વચનામૃત વાંચતા રહેવાથી, ઘણી શંકાઓ પરમકૃપાળુદેવના પત્રો દ્વારા ટળી જવા સંભવ છેજી. હાલ નહીં સમજાય, તે આગળ ઉપર વિશેષ વિચારે સમજાવા યોગ્ય છેજ. માટે મૂંઝાયા વિના, સત્પુરુષનાં વચનોનો અભ્યાસ નિયમિત કરતા રહેવા ભલામણ છેજી.
ટૂંકામાં, આપણને જે આજ્ઞા મળી છે, તેનું આરાધન વિશેષ-વિશેષ થશે, તેમ તેમ વિશેષપણે નિર્મળ વિચા૨ થશે અને નથી સમજાતું, તે સમજાતું જશે, એટલું ખાસ સમજવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૩૯૪, આંક ૪૦૨)