________________
૧૧૮
તમારા હૃદયમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ છે, તે જાણીને જ તમને પત્ર લખવાનું ચાલુ રાખ્યું છે. એક મુમુક્ષુભાઇ તરીકે જ મારા પ્રત્યે ભાવ રાખી, આપણે બધા તે મહાપુરુષના આશ્રિત છીએ, તેનાં વચનોને સાચે ભાવે ઉપાસીશું તો જરૂર સંસારસાગર તરી જવાશે, એવી દૃઢ શ્રદ્ધા રાખી પત્રવ્યવહારમાં કંઇ હરકત નથી.
‘‘હું પામર શું કરી શકું ?'' એવો લક્ષ મને હિતકારી છે અને તે જ યોગ્ય છે. માત્ર તે પુરુષનાં વચનોમાં મારી વૃત્તિ મને લખતાં પણ રહે અને સ્વપરને ઉપકારક પ્રવૃત્તિમાં ચિત્ત રહે તો તે શુભ કાર્ય છે એમ જાણી, માત્ર પત્ર લખવાનું બને છે. હું જાણું છું અને તમે નથી જાણતા, તેથી જણાવવા કે ડાહ્યો થવા, કંઇ લખવાનું બનતું નથીજી.
તે મહાપુરુષના વિયોગમાં આપણે બધાં દુખિયા બન્યા છીએ; તેથી એક દુખિયારું બીજાને પોતાના હૃદયની વરાળ દર્શાવી શાંતિ મેળવે તેમ જે કંઇ લખવું થયું છે તે મહાપુરુષ પાસેથી સાંભળેલી, વાંચેલી વાતોની સ્મૃતિરૂપ લખાયું હોય, તેના માલિક તે મહાપુરુષ છે.
કોઇ પુસ્તકનો ઉતારો કરવા લહિયો રાખ્યો હોય, તેની મજૂરીથી લખાયેલું કોઇને ઉપકારી જણાય તો તે લહિયાનો આભાર માને, તે અજુગતું છેજી, મૂળ લેખકનો ઉપકાર માનવો તે જ યોગ્ય છે; તેમ તમને શાંતિનું કારણ, અહીંથી લખેલા પત્રો નીવડયા હોય તો તે પરમપુરુષની અસંસારગત વાણીનો પ્રભાવ છે. મને તો માત્ર કપૂરના વૈતરાને જેમ સુગંધી મળે તેમ તે તે વચનો લખતાં, વિચારતાં જે જે આનંદ થયો હોય તેનો બદલો મળી જ ચૂક્યો છે એટલે તમને તે પુરુષની ભક્તિ, તેનાં વખાણ અને તેના ઉપર અનન્યભાવે અર્પણતા કરવાથી જે લમ થવા યોગ્ય છે, તે મારા તરફ ભાવ ઢળી જતાં, જેટલો થવો જોઇએ તેટલો લાભ થતાં અટકી જવાનો સંભવ દેખી, આટલું બધું લખવું થયું છે. કંઇ તમારા પ્રત્યે ક્રોધ, અણગમો કે તિરસ્કાર આમાં અલ્પ પણ નથી, એમ વિચારશોજી.
પરમકૃપાળુદેવને સાચા ભાવે ઉપાસે છે, તેનો હું તો દીનદાસ છું. પરમકૃપાળુદેવને જે હૃદયમાં રાખે છે, તેના ચરણમાં મારું મસ્તક નમો, એવી ભાવના મારા હૃદયમાં છે; તે આજે સ્પષ્ટ આપને જણાવી છે. સ્પષ્ટ પણ હિતકારક વાત કહેતાં, તમને કંઇ અણસમજણથી હૃદયમાં આઘાત જેવું લાગે તો તેની પણ છેવટે ક્ષમા ઇચ્છી પત્ર પૂરો કરું છુંજી.
પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. આ ભવમાં એવા પુરુષનું શરણ મળ્યું છે, એ જ આપણા અહોભાગ્ય ગણવા યોગ્ય છે. એ શરણ પ્રાપ્ત ન થયું હોત તો અત્યારે આપણી કેવી અધમદશા હોત, કેવાં કર્મ બાંધી અધોગતિનો માર્ગ ઉપાર્જન કરી રહ્યા હોત ? તે વિચારી વિશેષ-વિશેષ ઉપકારથી હ્દય નમ્ર બનાવી, તે પરમપુરુષની ચરણરજ સદાય આપણે મસ્તકે રહો, એ ભાવના નિરંતર કર્તવ્ય છેજી.
એ પુરુષની દશા સમજવા જેટલી પણ આપણી શક્તિ નથી તો તેની પ્રાપ્તિના અભિમાનને જગ્યા જ ક્યાં મળે તેમ છે ? છતાં જીવને મોહદશા ભૂલવે છે. તે મોહનો સત્વર ક્ષય થાઓ એવી તે અધમોદ્ધારણ પ્રભુ પ્રત્યે સાચા દિલની પ્રાર્થના છેજી. (બો-૩, પૃ.૩૫૬, આંક ૩૫૭)
D આપના પત્રમાં, અનેક પ્રકારની વિશેષણાવલિમાં, એક શબ્દ જે ‘સર્વજ્ઞ', ભગવાનને યોગ્ય તે આ પામરને લગાડી, તે શબ્દનું ગૌરવ ઘટાડવા જેવું કર્યું છે.