________________
(૧૧૩) કાળ કાઢે છે તેમ તેના સંબંધે પણ થઈ રહેશે. તેમાં કોઈ વધઘટ કરી શકે તેમ નથી. આપણે જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? તેમ છતાં જે સુખદુઃખ આપણે દીઠાં તે સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે જુદાં-જુદાં, સગા ભાઈઓમાં પણ હોય છે અને જતી વખતે પણ અહીંના પૈસાટકા કમાયેલા સાથે લઇ જવાય તેમ નથી કે મોતનું દુઃખ મૂંઝવતું હશે ત્યારે કોઈ તલભાર પણ દુઃખ ઓછું કરવાને સમર્થ નથી. આવી સમજથી સર્વ છોડીને જવાની અણી વખતે પણ મારા મનમાં જરાય ખટકો નથી રહેતો. જેટલો મોહ અને અજ્ઞાન તેટલા પ્રમાણમાં સારું કરવા જતાં પણ બીજાને ખોટા દેખાય તેવો સંભવ છે. મારાં ભાભીને વખતે રડવું આવશે પણ તમને આમાંથી સમજાયું હોય તે ધીમે રહીને તેમને સમજાવશો. આ કાગળ વંચાવવો ઘટે તો વાંચી સંભળાવશો. પછી આજ સુધીમાં જે કંઈ બોલ્ય-ચાલ્યું કે નાનપણમાં ધીંગામસ્તીમાં થયેલા દોષ અને પાપ બધાંની ગોરધનભાઇએ બે હાથ જોડીને ઉત્તમ માફી માગી છે, એમ તેમને જણાવશો. તમારી પાસેથી પણ ખુલ્લા દિલથી આજ સુધી મારાથી મન, વચન અને કાયાએ થયેલા દોષ અને પાપની ઉત્તમ માફી વિનયપૂર્વક માગું છું. મને સુખી કરવો હોય તો મારું દિલ ન દુભાય તે રસ્તે જવા માટે તમે બંને વડીલો મને માથે હાથ મૂકીને, માબાપ છોકરાને કમાવા માટે આફ્રિકા મોકલે છે તેમ આ ભવ અને પરભવમાં પણ ઉત્તમ ગણાતી કમાણી માટે તૈયાર થતાં મને આશીર્વાદ આપવા તૈયાર થશો. આ કમાણી અત્યારે તો નહીં સમજાય પણ મોટામાં મોટી કમાણી આ ભવમાં બની શકે તેવી છે અને તેને માટે મારું દિલ તલસી રહ્યું છે. કશું નવું પ્રાપ્ત કરવાની વાત અત્યારે હું નથી કરતો, પણ નકામી હાનિકારક મૂંઝવણ દૂર કરી સત્યની પ્રાપ્તિની જ વાત છે. તેમાં જ સર્વ સુખ છે એમ થોડો કાળ જતાં સમજાવા સંભવ છે. પહેલાં મને વૈરાગ્યની વેળ આવતી, તે વખતે પાસેનાં મહી નદીના કોતરોમાં કે દૂરના હિમાલયમાં હું ચાલી નીકળ્યો હોત તો આજે તો તમે ભૂલી પણ ગયા હોત. આજે મોડો-મોડો જવા તૈયાર થઉં છું તો બે-પાંચ વર્ષે ભૂલી જશો; અને જો મોત આવવાનું હોય તો તે કાંઈ તમને આવડો મોટો કાગળ લખીને કે સમજાવવા પ્રયત્ન કરીને મારી પાસે આવવાનું નથી; તો પહેલેથી જ સમજીને જે કામ વહેલુંમોડું કરવું છે તે પતાવી લઈએ તો ખોટું કર્યું એમ સમજુ માણસ તો ન કહે. આ વાત બધે બાંધણીમાં કરવાની જરૂર નથી. તમને જરૂર જણાય તો થોડા દિવસ અહીં આવીને રહી જશો તો નિરાંતે આપણે કરવી ઘટે તે છેવટની વાતો કરી લઈશું. બૈરાંને આ વાત જણાવો તો તે પહેલાં તમારા મનમાં એવો નિશ્ચય થાય કે આ વાત સારી છે અને તે બૈરાંને સમજાવીને પણ રજા અપાવવા જેવી છે તો તેમને કહેશો, કારણ કે તેમના મનમાં આ વાત નહીં રહે અને વખતે અગાસના આશ્રમવાસી તરીકે મને સ્વીકારવાનું તે કૃપાળુ મુનિઓને ઇષ્ટ ન લાગે કે તેમની સંમતિ ન મળે તો નકામી વાત થાય. તેથી તમારી રજા મળે, સોસાયટીમાં આ વાતની ખબર આપી ત્યાં જે નિર્ણય થાય તે હું જાણીને તમને જણાવું નહીં ત્યાં સુધી લોકો ન જાણે તો ઠીક. એ વ્યાવહારિક વાત તો તમે સમજી શકો તેમ છો. આ માત્ર સૂચના છે. નહીં તો મારે મન તો તે નિશ્રય જેવું છે એટલે ખાસ વાંધો નથી. તમારાથી અવાય તેમ ન હોય તો હું એકાદ-બે દિવસ આવી જઈશ, પણ અહીં વાત કરવાનો પ્રસંગ બને તો વધારે નિરાંતે વાત થાય અને બહાર પણ ન પડે. લિ. આજ્ઞાંકિત ગોરધનભાઈના વિનયપૂર્વક જય સદ્ગુરુવંદન સાથે પ્રણામ સ્વીકારશોજી.
(બી-૩, પૃ.૧, આંક ૧).