________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૩૩૯ સાચી ધીરતા આત્મામાં પ્રગટાવ્યા વિના આવા આવા વિચારો જન્મવા, એ સંભવિત જ નથી. આત્મામાં સાચી ધીરતા આવ્યાથી, સાધુપણામાં પણ ગરદન કાપનાર સમરવિજય ઉપર, વિશેષપણે ક્રૂરભાવને તજવા માટે તેને ઘણાં કર્મોના ક્ષયમાં સહાયક માનવાની સલાહ, રાજર્ષિ પોતાના આત્માને આપે છે. આવા આત્માને કર્મક્ષયમાં સહાયક માનવાની મનોદશા, સાચી ધીરતા વિના આવવી, એ શક્ય નથી : પણ પ્રાણઘાતક આપત્તિને પૂર્વનાં દુઃખોના વિચારથી અકિંચિકર બનાવી આત્માને એવો ધીર બનાવ્યો, કે જેથી એ રાજર્ષિએ સમરવિજય જેવા પ્રાણઘાતક આપત્તિ આપનારને પણ પોતાનાં ઘણાં કર્મોના ક્ષયમાં સહાયક માની, તેના ઉપર વિશેષપણે ક્રૂરભાવનો ત્યાગ કરી, આત્માને દુર્ગાનથી બચાવી, સુધ્યાનમાં સ્થાપવાની સુંદર વિચારશ્રેણી જન્માવી. અનંત ઉપકારી કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે-એ પ્રમાણે વિચારતા એવા તે રાજર્ષિ પ્રાણોથી તો મૂકાયા, પણ સાથે સાથે પાપથી પણ મૂકાયા : અર્થાત-પાપની સાથે એ રાજર્ષિ પ્રાણોથી મુક્ત બન્યા. મુક્તિને પામશેઃ
આવા પ્રકારની આપત્તિમાં પણ આવા પ્રકારની ઉત્તમ જાતિની વિચારણાના બળે તે મહર્ષિ પાપની સાથે પ્રાણોથી મુક્ત થયા થકા સ્વર્ગવાસી તો અવશ્ય બને જ બને. શુદ્ધ સાધુપણું આત્માને સિધ્ધપદ આપનારું છે. ખામી રહે તો એ સાધુપણું વૈમાનિકપણું તો અવશ્ય આપે છે. કથાકારપરમર્ષિ ફરમાવે છે કે સારી રીતિએ ક્યું છે પુણ્ય જેમણે એવા તે પરમર્ષિ સુખ છે સાર જેમાં એવા “સહસ્ત્રાર’ નામના આઠમા દેવલોકમાં સુર તરીકે ઉત્પન્ન થયા : અને તે દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે તે જન્મશે. ત્યાં મુનિપણું પામી, યતિધર્મના સાચા પાલક બનવાથી દશ પ્રકારના યતિધર્મમાં આવતા મુક્તતા એટલે નિર્લોભતા નામના ધર્મના પણ પાલક હોવાથી, તે મહર્ષિ સમુક્તિ હોવા છતાં પણ, મુક્તિને પામશે. અગૌણબુદ્ધિએ ગુણને ધરો :