________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ અજ્ઞાનથી દુશ્મન મિત્ર લાગે છે :
૩૨૩
મિત્ર તે કહેવાય, કે જે આપત્તિને આવવા ન દે, આવેલી આપત્તિથી ઉગરી જવામાં સહાય કરે અને એવા માર્ગે દોર્યા કરે કે જે માર્ગે આપત્તિઓ ન હોય, પણ કલ્યાણની જ પ્રાપ્તિ હોય. આપત્તિના માર્ગે દોરી જનાર મિત્ર નથી પણ દુશ્મન જ છે. મિત્ર તો કલ્યાણકામી હોય. મિત્ર તે કહેવાય, કે જે મિત્રના ભલામાં રાજી હોય. જે માર્ગે જતાં થોડોક લાભ હોય અને ઘણું ઘણું નુક્શાન હોય, તેવા માર્ગે દોરી જનારને મિત્ર ન કહેવાય, પણ અજ્ઞાન રૂપ મહાશત્રુને વશ બનેલા આત્માઓ શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ માનનારા હોય, એમાં અસ્વાભાવિક જેવું કાંઇ જ નથી. મિત્ર રૂપે રહેલ દુશ્મન ખૂબ ખૂબ હાનિને પહોંચાડી શકે છે, અનેક રીતિએ આફતોમાં મૂક્યા કરે છે, પણ અજ્ઞાનના યોગે એ દુશ્મન દુશ્મન રૂપે સમજાતો નથી. લોભ અને પરિગ્રહાભિલાષ, એ બન્ને આત્માના દુશ્મનો જ છે, પણ એ દુશ્મનોને દુશ્મન રૂપે સમજી, તેના સંસર્ગથી દૂર રહેવાનો પ્રયત્ન કરનારાઓ આ જગતમાં વિરલ જ છે.
લોભ એ પાપનો બાપ છે ઃ
લોભ અને પરિગ્રહાભિલાષને મિત્ર રૂપે માનનારાઓએ ચેતવા જેવું છે. એ બે ગુણો નથી પણ દોષો જ છે. આ બે દોષો અનેક દોષોનું મૂળ છે, એમ કહીએ તો પણ ચાલી શકે. લોભની તો પાપના બાપ તરીકેની પ્રસિદ્ધિ છે. પાપના પિતા સમાન લોભ જ્યાં હોય, ત્યાં પરિગ્રહનો અભિલાષ હોવો એ કાંઇ નવીન વાત નથી. આ બન્ને દોષોની આધીનતામાં પડેલાઓ-આ બન્ને દોષોને દુશ્મન રૂપે નહિ માનતાં મિત્ર રૂપે માની બેઠેલા આત્માઓ, વધતે વધતે કેટલા બધા પાપમય જીવનના ઉપાસક બની જાય છે, એ તો આપણે આ સાગર અને કુરંગ નામના બે શ્રેષ્ઠિપુત્રોના જીવન ઉપરથી પણ આગળ જોઇ શકીશું.
સાચા સ્વામિઓને માનવાની લાયકાત ન રહે :