________________
૫૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આથી સરલ સ્વભાવ અને નિ:સ્વાર્થ બુધ્ધિ અંતરમાં રહેલી હોય છે. તેઓની સાધના આ પ્રકારે હોય છે. જ્ઞાન અને ક્રિયાની આવશ્યક્તા –
આ જગતમાં સાધના કોણ નથી કરતું ? યથાર્થ કે અયથાર્થ, સુખદ કે દુઃખદ, અલ્પ કે અધિક-એ નિરાળી વસ્તુ છે. એ વિચારણાને દૂર રાખીએ, તો જ્યાં જ્યાં કામના છે ત્યાં ત્યાં સાધના છે. કામનાની પરિપૂર્ણતાને ઉદ્દેશીને કરવામાં આવતા પ્રયત્નો, એ સાધના છે. કામનાવત્તા વિશ્વનું જીવન સાધનામય છે. આમ છતાં “સાધના' ને અંગે વિશિષ્ટ વિચારણાની આવશ્યકતા છે. કામના માત્રથી જેમ ઇષ્ટસિદ્ધિ સંભવિત નથી. સિદ્ધિ પ્રાપક સાધના માટે સાધનો વિષેનું યથાર્થ જ્ઞાન પણ આવશ્યક છે અને તેને અનુસરતી ક્રિયાશીલતા પણ આવશ્યક છે. જ્ઞાનન્ય ક્રિયા કિંવા ક્રિયાશૂન્ય જ્ઞાન સિદ્ધિસાધક બની શકે નહિ. સાધનોના યથાર્થ જ્ઞાનના અભાવે ઇષ્ટપ્રાપ્તિની અવરોધક ક્રિયાઓ ઇષ્ટપ્રાપ્તિના હેતુથી થાય છે : અને સાધનોનું યથાર્થ જ્ઞાન હોવા છતાં તદનુસારી ક્રિયા ન હોય, તો વિપરીત ક્રિયા ચાલુ હોવાના કારણે ઇષ્ટપ્રાપ્તિ દૂરવર્તીજ બનતી જાય છે. કામનાના યોગ સાધનામાં પ્રવર્તમાન બનેલા જીવમાત્રે આ વસ્તુને સમજી લેવી જોઇએ. કારણ કે-સાધનોના યથાર્થ જ્ઞાન વિના અને વાસ્તવિક સાધનોના આસેવનમાં દત્તચિત્ત બન્યા વિના, આ અનાદિકાલીન વિશ્વમાં અનન્તકાલે પણ કોઇ જ આત્મા ઇષ્ટને સાધી શકયો નથી, સાધી શકતો નથી અને સાધી શકશે પણ નહિ, એ નિવિવાદ વસ્તુ છે. સાધનાનો હેતુ
આ સંસારમાં મનુષ્ય માત્રની પ્રવૃત્તિનું કેન્દ્રિત ધ્યેય કયું છે ? કોઈ પૈસા માટે મથે છે, કોઇ કીર્તિ માટે મથે છે, કોઈ સ્ત્રી માટે મથે છે, કોઇ પુત્ર માટે મથે છે અને કોઇ સત્તા માટે મથે છે. આરીતિએ મનુષ્યો ભિન્ન ભિન્ન પ્રકારની કામનાઓથી ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ પોતપોતાની શકયતા, અનુકૂળતા અને સમજ મુજબ કરી રહ્યા છે. પરન્તુ આ સઘળી