________________
૯૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
જ્યાં ગંભીરતાનો અભાવ હોય ત્યાં હાસ્ય ઉત્પન્ન થાય છે. જે હસે તે ખસે, અને ન હસે તે વસે. (લોકોક્તિ)
જે હસે તે આત્માના ઘરમાંથી મોહમાં ખસે અને જે ન હસે તે આત્માના ઘરમાં વસે. માટે મુનિ ભગવંતો કારણ વગર ક્યારેય પણ ન હસે.
હાસ્યાદિ થવામાં બાહ્ય નિમિત્ત હોય, કોઈવાર ન હોય પણ અત્યંતર નિમિત્ત તો હોય જ. લોકની દષ્ટિએ જે દેખાય તે બાહ્ય નિમિત્ત અને ન દેખાય તે અત્યંતર નિમિત્ત હાસ્યની ઉત્સુકતા લાવે છે..
રતિ-અરતિ-મોહનીય કર્મ :
અનુકૂળ પદાર્થો પ્રાપ્ત થતાં પ્રીતિ-પ્રમોદ થાય તે રતિ અને પદાર્થો પ્રાપ્ત ન થતાં અથવા પ્રતિકૂળ પદાર્થો પ્રાપ્ત થતાં ખેદ-અપ્રીતિ થાય તે અરતિ કહેવાય છે. તે બન્ને કર્મ સમભાવને રોકે છે.
શોક મોહનીય કર્મ :
પ્રિય વ્યક્તિ કે વસ્તુનો વિયોગ થવાથી અથવા અપ્રિય વ્યક્તિ કે વસ્તુનો સંયોગ થવાથી રડે-નિસાસા નાખે તે શોક મો. કર્મ કહેવાય છે. ભૂતકાળના દુઃખદ પ્રસંગ યાદ આવી જવાથી જે દુખોત્પાદક લાગણી ઉત્પન્ન થાય છે તે શોક મોહ. કર્મ કહેવાય છે. જે આત્માની શોકાતુરરહિતપણાની અવસ્થાને રોકે છે.
ભય મોહનીય કર્મ :
નિમિત્તથી કે નિમિત્ત વિના જીવ ઈહલોકભય વિગેરે સાત પ્રકારના ભયને પામે છે તે ભય મોહનીય કર્મ છે.
જુગુપ્સા મોહનીય કર્મ :
જેના ઉદયથી વસ્તુ કે વ્યક્તિ ઉપર દુર્ગછા-ધૃણા, તિરસ્કાર ઉત્પન્ન થાય તેને જુગુપ્સા મોહ. કર્મ કહે છે.