________________
- સંપાદકીય નિવેદન અનાદિ સંસારસાગરમાં જીવોના પરિભ્રમણના કારણરૂપ કર્મનું સ્વરૂપ અકળ અને અગમ્ય છે. છતાં સર્વજ્ઞ ભગવંતોએ કેવલજ્ઞાન દ્વારા જોયેલ અને વર્ણવેલ તે કર્મોનું વિશદ વર્ણન ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં ગુંચ્યું છે.
આ અગાધજ્ઞાનના સમુદ્રરૂપ શાસ્ત્રોમાં અલ્પબુદ્ધિવાળા, અલ્પ આયુષ્યવાળા જીવો અવગાહી શકે નહી. જાણી શકે નહી.
તેથી તે સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા, જીજ્ઞાસાવાળા જીવોના ઉપકાર માટે પૂર્વાચાર્યો-પૂર્વ મહર્ષિઓએ કર્મવિષયક અનેક ગ્રંથો બનાવ્યા છે.
આ પૂર્વાચાર્યોમાંના તપસ્વીહીરલા પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ નવ્ય પાંચ કર્મગ્રંથ બનાવ્યા છે.
જો કે પ્રાચીન કર્મગ્રંથો પણ પૂર્વાચાર્યોના બનાવેલા છે. તે હમણાં ગાથાર્થ સાથે પ્રકાશિત થયેલ છે. તેમજ નવ્ય કર્મગ્રંથો પણ વિવેચન સાથે મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ, પં. ભગવાનદાસભાઈ તરફથી, પં. અમૃતલાલ પુરુષોત્તમદાસ તરફથી પ્રકાશિત થયેલ છે.
વળી આ નવ્ય કર્મગ્રંથ વિસ્તૃત વર્ણન સાથે પં. ધીરૂભાઈના અને પૂ. રમ્યગુણાશ્રીજી મ.સા. ના ઉપદેશથી પણ પ્રકાશિત થયેલ છે.
આ કર્મગ્રંથોમાં સપ્તતિકાકર્મગ્રંથ મહેસાણા સંસ્થા સિવાય કોઈના પ્રકાશિત નહી હોવાથી અને તે ગ્રંથમાં ભાંગાની ભિન્ન ભિન્ન સંખ્યા તથા તેના ઉપરના સત્તાસ્થાનો અભ્યાસક વર્ગને સરળતાથી સમજાય તો અધ્યયન કરવામાં સુગમતા રહે, તે ઉદેશથી મેં પ્રથમ સપ્તતિકાકર્મગ્રંથનું સંપાદન કર્યું અને પ્રકાશિત કરવામાં આવ્યો.
ત્યારબાદ અધ્યયન કરતાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની વારંવાર માગણીથી “શતકનામા પંચમ કર્મગ્રંથ” કર્મસ્તવ અને બંધસ્વામિત્વનામા દ્વિતીય, તૃતીય કર્મગ્રંથ તેમજ ષડશીતિનામા ચતુર્થ કર્મગ્રંથને તે તે વિષયોને મૂખપાઠ કરી શકે અને સરળતાથી સંક્ષેપમાં સમજી શકાય તે આશય રાખી તે ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન કર્યું.
હવે શ્રાવક-શ્રાવિક વર્ગ તથા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત આદિને ભણવામાં અને અધ્યયન કરાવવામાં પણ ઉપયોગી વિવેચન સાથે કર્મવિપાક કર્મગ્રંથ લખવા વિચાર્યું.