________________
આ બધા શ્લોકો(૬૧ થી ૧૨૫), સૂત્ર દસની ‘વૃત્તિ'માં(પૃ. ૨૧ થી ૩૩ પર) રજૂ થયેલા, કવિસમયના જુદા જુદા પ્રકારોનાં દૃષ્ટાંતોનાં કાવ્યમય ઉદાહરણ તરીકે ‘વિવેક'માં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આમ શ્લોક ૬૧, ૬રને ૬૩માં, કવિસમયના પ્રથમ પ્રકાર, સત્ના જાતિરૂપ અર્થનું કાવ્યમાં વર્ણન નહીં કરવાને લગતાં ઉદાહરણો પ્રસ્તુત થયાં છે. માલતી પુષ્પોનું વસંતઋતુમાં વર્ણન ન કરવાને લગતા ઉદા. શ્લોક (૬૧)માં, કવિ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે તમામ પ્રકારનાં પુષ્પોનો વૈભવ વધારનારી વસંતઋતુ માલતી પુષ્પથી વિમુખ કેમ છે ? જાતિવિહીન(પ્લેચ્છ), દેવતાઓને કેમ ચાહી શકે ? માલતીવિહીન વસંત, પુષ્પોને કેમ ચાહી શકે? ઉદા. શ્લોક(૬૨)માં ચંદનવૃક્ષનાં ફળ-ફૂલનું વર્ણન ન કરવાની વાત કાવ્યમય રીતે મૂકી છે : ચંદનવૃક્ષને કુદરતે ફળ-ફૂલ વિનાનું બનાવ્યું છે છતાં તે પોતાના શરીરથી (કાષ્ઠથી) બીજાઓના સંતાપને દૂર કરે છે. ઉદા. શ્લોક(૬૩)માં અશોકવૃક્ષના ફળનું વર્ણન ન કરવાનો કવિસમય કાવ્યોચિત અભિવ્યક્તિ પામ્યો છે : ફળ દેવાધીન છે. એટલે શું થાય? પણ અમે એટલું તો નક્કી કહીશું કે અશોકનાં પર્ણોની તુલનામાં બીજાં વૃક્ષોનાં પાન આવી શક્તાં નથી. કવિસમયના પ્રથમ પ્રકારના દ્રવ્યરૂપ અર્થના અ-વર્ણનને લગતાં બે દૃષ્ટાંતોને ઉદા. શ્લોક ૬૪-૬૪માં કાવ્યમય અભિવ્યક્તિ અપાઈ છે. શ્લોક(૬૪)માં કૃષ્ણપક્ષમાં ચાંદની હોવા છતાં તેનો ઉલ્લેખ ન કરવાની વાત રજૂ થઈ છે. મથુરાની એ યાત્રામાં કુતૂહલભર્યા લોકોએ બળભદ્ર અને કૃષ્ણને, અનુક્રમે, શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની માફક નિહાળ્યા. શ્લોક(૬૫)માં શુક્લપક્ષમાં અંધકારનો ઉલ્લેખ ન કરવાનો કવિસમય વ્યક્ત થયો છે. દરેક માસમાં શુક્લ અને કૃષ્ણપક્ષમાં ચાંદની તો સરખી જ હોય છે, પણ તેમાં એક પક્ષ, શુક્લપક્ષ ગણાય છે - યશ તો પુણ્યથી જ મળે છે : ઉદા. શ્લો. ૬૬, ૬૭ ને ૬૮માં પ્રથમ કવિસમય-વસ્તુ હોય છતાં તેનું વર્ણન ન કરવામાં આવે - ના ગુણરૂપ અર્થમાં ત્રણ દૃષ્ટાંતો કાવ્યમાં રજૂ થયાં છે. આ શ્લોક(૬૬)માં કુંદ પુષ્પો તથા વિલાસી સ્ત્રીપુરુષોના દાંતના લાલ રંગનું વર્ણન ન કરવાનો કવિસમય, કવિ માઘ શિશુપાલવધ(૨.૭)માં ચિત્રિત કરેલો દર્શાવ્યો છે કુંદ-કલિકા જેવા સફેદચમકતા દાંતવાળા ભગવાન શ્રી કૃષ્ણના, સભામંડપને પ્રકાશિત કરતા, સ્મિતથી શોભતા મુખમાંથી નીકળતી શુદ્ધ વર્ણ(રંગ તથા અક્ષર)વાળી સરસ્વતી જાણે સ્નાન કરતી હતી.
- ૫૫