________________
પૂર્વપીઠિકા
* “કલિકાલસર્વજ્ઞના સાર્થક ઉપનામથી વિભૂષિત આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિનો કાવ્યાનુશાસન' ગ્રંથ, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનો મહત્ત્વનો ગ્રંથ છે અને તે ભારતના તથા વિદેશના વિદ્વાનોમાં સુવિખ્યાત છે. પ્રાચીન ભારતીય સાહિત્યના જાણકારોને હેમચંદ્રાચાર્યનો પરિચય આપવાની જરૂર રહેતી નથી કેમકે, પ્રોફેસર શિવપ્રસાદ ભટ્ટાચાર્ય કહે છે તેમ, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યના અભ્યાસીઓ હેમચંદ્રાચાર્યને એક એવા ગ્રંથકાર તરીકે ઓળખે છે જેમણે આગામી પેઢીઓના હિતાર્થે, જુદા જુદા વિષયોનાં ક્ષેત્રોમાં પોતાની વિસ્તૃત અને વૈવિધ્યમય વિદ્વત્તાનો સંપૂર્ણ ઉપયોગ કરીને, જે કંઈ લેખનબદ્ધ કરીને રાખી લેવા જેવું હતું તે, ગંથોરૂપે પ્રસ્તુત કર્યું છે. “હેમચંદ્રાચાર્યનું અનેક વિષયોનું પાંડિત્ય અને સર્વસંગ્રહ જેવું જ્ઞાન, સંસ્કૃત અને પ્રાકૃત વિદ્યાઓનાં ઘણા ક્ષેત્રોને આવરી લેતું હતું અને જૈન લેખકોના નક્ષત્રમંડળમાં તો હેમચંદ્રાચાર્ય “અતિ તેજસ્વી તારલા' (ચંદ્ર) હતા. કેમ કે જ્ઞાનની અનેકાનેક શાખાઓ વિપુલ પ્રમાણમાં ખેડનાર તેઓ સર્વશ્રેષ્ઠ જૈન લેખક હતા. હેમચંદ્રાચાર્યના વિપુલ સાહિત્યરાશિમાં વ્યાકરણશાસ્ત્ર, કોશશાસ્ત્ર, છંદશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્રથી માંડીને તત્વજ્ઞાન, ન્યાયશાસ્ત્ર, ચરિત્રકથાઓ, યોગશાસ્ત્ર તેમ જ કેટલાક કાવ્યાત્મક કે સર્જનાત્મક-વર્ણનાત્મક ગ્રંથોનો સમાવેશ થાય છે. ત્રણ “અનુશાસન'-ગ્રંથો
હેમચંદ્રાચાર્યના શાસ્ત્રીય ગ્રંથોમાં “શબ્દાનુશાસન'કેસિદ્ધહેમ, કાવ્યાનુશાસન તેમ જ “છંદોનુશાસન એ ગ્રંથોની બનેલી “અનુશાસનત્રયી ખાસ ઉલ્લેખ પામે છે. આ ગ્રંથશ્રેણી રચવામાં હેમચંદ્રાચાર્યનો ઉદેશ, વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્ર અને છંદ શાસ્ત્ર પર ઉત્તમ, અધિકૃત ગ્રંથો રચીને સંસ્કૃત ભાષા તથા રચનામાં કૌશલ મેળવવા ઈચ્છતા અભ્યાસીઓને ઉપયોગી અને પ્રમાણભૂત ગ્રંથો પૂરા પાડવાનો હતો.