________________
ગુણ તથા અલંકાર બન્ને, કાવ્ય સાથે સમવાય સંબંધથી જ જોડાયેલા છે. ઉદ્ભટનું આ ભેદ-વિવરણ અવાસ્તવિક છે જે એક એવી પરંપરાનું અંધ અનુકરણ - ગડ્ડરિકા પ્રવાહરૂપ અનુકરણ છે જેમાં કાવ્યમાં ગુણ તથા અલંકારના સ્વરૂપનો ખરો ભેદ સમજવાની શક્તિ નથી. આ રીતે ભટ્ટોગ્ભટનો મત અસ્વીકાર્ય ઠરે છે.’’૧૭ ભટ્ટોગ્ભટના આ મતનું ખંડન કરવા પાછળ હેમચંન્દ્રાચાર્યનો હેતુએ છે કે ઉદ્ભટ એ તો જાણે જ છે કે જીવનમાં ગુણ એ માનવીના આત્મા સાથે અભિન્નપણે સંલગ્ન ધર્મ છે અને અલંકાર એ માનવીના શરીર પર રહેલા બાહ્ય આભૂષણરૂપ છે; છતાં એ સમવાય અને સંયોગ સંબંધ વચ્ચેનો ભેદ સ્વીકારવાની ના પાડે છે - અર્થાત્ ગુણ આત્મા સાથે સમવાય સંબંધથી સંલગ્ન ધર્મ છે અને અલંકાર શરીર સાથે બાહ્ય રીતે સંકળાયેલું - સંયોગ સંબંધથી જોડાયેલું, છૂટું પાડી શકાય તેવું તત્ત્વ છે એવો ગુણ -અલંકારનો તાત્ત્વિક તફાવત સ્વીકારવાની ઉદ્ભટ નાપાડે છે તે ગડ્ડરિકા પ્રવાહ -ગાડરિયા પ્રવાહનું અંધ અનુસરણ છે જે આપણા અનુભવથી વિરુદ્ધ જાય છે. આપણો અનુભવ દર્શાવે છે કે અલંકારો કે ઘરેણાં શરીર ઉપર, બાહ્ય રીતે, સંયોગસંબંધથી રહે છે અને તેમનો, એ ઘરેણાં પહેરનાર વ્યક્તિના આત્મા સાથે કંઈજ સંબંધ નથી. બીજી તરફ, ગુણો એ આત્માના આંતરિક ધર્મો છે જે વ્યક્તિના સ્વભાવમાં જ સમવાય સંબંધથી રહેલા હોય છે અને તે અલગ કરી શકાતા નથી. આમ ગુણો તથા અલંકારોનો ભેદ તેમના આશ્રયો વચ્ચેના ભેદમાંથી ઉત્પન્ન થાય છે. ગુણો આત્મામાં રહે છે જે નિત્ય છે અને એ ગુણો અંતર્ગત રીતે અને નિત્ય આત્મામાં જ રહે છે; જ્યારે અલંકારો શરીરને આશ્રયે રહે છે જે (શરીર) અનિત્ય છે અને એ શરીર સાથે અલંકારો, બાહ્ય રીતે, છૂટા પાડી શકાય તેવી રીતે, શરીર પર રહે છે. આમ અલંકારો શરીર પરથી ઉતારી શકાય છે કે નવા અલંકારો ઉમેરી શકાય પણ છે. આ ચર્ચાનો નિષ્કર્ષ એ કે કવિઓ પોતાની રચનામાં મુક્તપણે અલંકારોને અપનાવે છે અને છોડે પણ છે; પણ ગુણો વિના તો કવિઓને ચાલે જ નહીં. કેમકે ગુણો તો રસરૂપી કાવ્યાત્માના ધર્મો છે. અલબત્ત, અલંકારો કાવ્યના આત્મારૂપ રસને ઉપકારક છે, કારણકે તેઓ આડકતરી રીતે કાવ્યના સૌંદર્યને વધારે છે; કાવ્યની આંતરિક ગુણસમૃદ્ધિને સૂચવે છે. છતાં, કાવ્યના રસનો ઉત્કર્ષ કરવામાં સહયોગ આપે તો જ અલંકારો કાવ્યરચનાને ઉપકારક છે. પણ જ્યારે અલંકારો કાવ્યના રસકીય પરિવેશને પોષક નથી હોતા અથવા રસાસ્વાદમાં બાધક બને છે ત્યારે અલંકારોનો ઉપયોગ કાવ્યમાં ન કરવો જોઈએ.
૧૦૯