________________
પ્રથમ ઉદ્યોત : ૧૩
૮૫
કારિકા-૧૩ જેમાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગૌણ બનાવી દઈ તે અર્થને (પ્રતીયમાન અર્થને) વ્યક્ત કરે છે, તે કાવ્યવિશેષને વિદ્વાનો ધ્વનિ કહે છે.
વૃત્તિ-૧૩.૧ જ્યાં અર્થ એટલે કે વાચ્યવિશેષ (=વાચ્ચાર્ય) અને શબ્દ એટલે કે વાચકવિશેષ (=વાચક શબ્દ) તે અર્થને (પ્રતીયમાન અર્થને) પ્રકારો ( = વ્યક્ત કરતા હોય) તે કાવ્યવિરોષને ધ્વનિ (કહેવાય છે). (-ધ્વનિકાવ્ય કહેવાય છે). આનાથી, વાચ્યવાચકના ચારુત્વના હેતુઓ ઉપમા વગેરેથી અને અનુપ્રાસ વગેરેથી ધ્વનિનો વિષય ભિન્ન છે તે દર્શાવાયું.
૧૩,૨. વળી, જે એમ કહ્યું કે ‘પ્રસિદ્ધ પ્રસ્થાન ( = સિદ્ધાંત)નું અતિક્રમણ કરનાર મતમાં કાવ્યત્વહાનિ (થાય માટે) ધ્વનિ છે જ નહીં,’’ તે પણ અયોગ્ય છે. કેવળ કાવ્યલક્ષણકારોમાં જ ધ્વનિ જાણીતો નથી પણ લક્ષ્યની (કાવ્યોની) જો પરીક્ષા કરવામાં આવે તો સહ્રદયના હૃદયને આનંદ આપે તેવું તત્ત્વ એ જ છે તેનાથી બીજું ‘ચિત્ર’ જ છે એમ આગળ બતાવીશું. (ઉદ્યોત-૩, કારિકા ૪૧,૪૨માં)
૧૩.૩ વળી, જે એમ કહ્યું કે “રમણીયતાથી જે ચડિયાતો નથી એવા તેનો ગણાવેલા અલંકાર વગેરેમાં સમાવેશ થઈ જાય છે.’’ તે પણ યોગ્ય નથી. કારણ કે વાચ્યવાચકને આશ્રયે રહેલા સિદ્ધાન્તમાં, વ્યંગ્ય-વ્યંજકને આશ્રયે રહેલા ધ્વનિનો સમાવેશ શી રીતે થાય ? વાચ્યવાચક (અર્થ અને શબ્દ)ના ચારુત્વ હેતુ (ઉપમા આદિ તથા અનુપ્રાસ આદિ અલંકાર) તો તેના (ધ્વનિના) અંગરૂપ છે અને તે (ધ્વનિ)તો અંગી (પ્રધાન)રૂપ છે એ આગળ પ્રતિપાદન કરીશું. આ સંબંધી (આનું સમર્થન કરતો) એક પરિકર શ્લોક પણ છે.
‘‘ધ્વનિ વ્યંગ્યભંજકભાવ સંબંધમૂલક હોવાથી, વાચ્યવાચક ચારુત્વહેતુઓ (અલંકાર આદિ)માં (તેનો) અંતર્ભાવ (સમાવેશ) કેવી રીતે થઈ શકે ?''
૧૩.૪ જો કોઈ એમ કહે કે જ્યાં (અલંકાર વગેરેમાં) પ્રતીયમાન અર્થની સ્પષ્ટપણે પ્રતીતિ ન થતી હોય, તે ભલે ધ્વનિનો વિષય ન ગણાય, પણ જ્યાં એવી પ્રતીતિ થતી હોય ત્યાં એટલે કે સમાસોક્તિ, આક્ષેપ, કારણ ન કહ્યું હોય એવી વિશેષોક્તિ, પર્યાયોક્ત, અપહ્નુતિ, દીપક, સંકર વગેરે અલંકારોમાં-ત્યાં ધ્વનિનો અંતર્ભાવ થશે’’ એનું નિરાકરણ કરવા (કારિક-૧૩માં) કહ્યું છે ‘ઉપસર્નનીષ્કૃતસ્વાર્થી’ એમ, અર્થાત્ ‘જેમાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગૌણ બનાવી દઈ’’ વગેરે. પોતાને ગૌણ બનાવે છે તે (વાચ્ય) અર્થ, અથવા પોતાના વાચ્યને ગૌણ બનાવે છે તે (વાચક) શબ્દ, જ્યાં બીજા અર્થને (પ્રતીયમાન અર્થને) વ્યક્ત કરે છે તેને (કાવ્યને) ધ્વનિ કહેવાય. તેઓમાં (=સમાસોક્તિ આદિ અલંકારોમાં) તેનો (ધ્વનિનો) સમાવેશ શી રીતે થઈ શકે ? વ્યંગ્યાર્થની પ્રધાનતામાં ધ્વનિ (કાવ્ય) હોય છે. સમાસોક્તિ વગેરેમાં એમ (=વ્યંગ્યનું પ્રાધાન્ય) નથી હોતું.