________________
અથ શ્રીમદાનન્દવર્ધનાચાર્યપ્રણીત
વન્યાલોક પ્રથમ ઉદ્યોત
પોતાની ઇચ્છાથી સિંહનું (નૃસિંહ)નું રૂપ ધારણ કરનાર, મધુ નામના રાક્ષસને મારનાર (વિષ્ણ)ના, પોતાની નિર્મળ કાન્તિથી ચંદ્રને ખિન્ન કરનાર તથા શરણાગતોનાં દુઃખ છેઠવામાં સમર્થ એવા નખ તમારું રક્ષણ કરો.'
કારિકા-૧ વિદ્વાનો પહેલેથી જ એ વ્યાખ્યા કરતા આવ્યા છે કે કાવ્યનો આત્મા ધ્વનિ છે. કેટલાક લોકોએ એ (ધ્વનિ)નો સર્વથા અભાવ બતાવ્યો છે. બીજા લોકો તેને ભાત ( લક્ષણાગમ્ય) કહે છે. કેટલાક લોકો તેના તત્ત્વને વાણીનો અવિષય (અર્થાત અવર્ણનીય, અનિવર્ચનીય) બતાવે છે. તેથી (આ રીતે જુદાજુદા મત હોવાથી) સહૃદયના મનની તુષ્ટિ થાય તે ઉદ્દેશ્યથી અમે એ (ધ્વનિ)ના સ્વરૂપનું નિરૂપણ કરીએ છીએ.
વૃત્તિ ૧.૧ વિદ્વાનોએ એટલે કે કાવ્યતત્ત્વને જાણનારાઓ વડે કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહ્યું છે. પરંપરાથી જે. (ધ્વનિ) ઊતરી આવ્યો છે એટલે કે સમજાવાયો છે તેનો, સહૃદય જનના મનમાં પ્રકાશિત હોવા છતાં પણ (તેનો) અભાવ અન્ય લોકો કહે છે.
તે અભાવવાદીઓના આ વિકલ્પો સંભવે છે.
૧.૨ તેમાં કેટલાકે કહ્યું છે-“શબ્દ અને અર્થરૂપી શરીરવાળું કાવ્ય છે. તેમાં શબ્દગત ચારુત્વના કારણરૂપ અનુપ્રાસ આદિ પ્રસિદ્ધ જ છે. અર્ધગતના ઉપમા આદિ. વર્ણસંઘટનાના ધર્મો જે માધુર્ય વગેરે છે તે પણ દેખાય છે. તેનાથી અભિન્ન જે ઉપનાગરિકા આદિ વૃત્તિઓ કોઈએ જણાવેલી છે તે પણ સાંભળવામાં આવી છે. રીતિઓ પણ વૈદર્ભી વગેરે છે. તેનાથી જુદો આ ધ્વનિ નામે પ્રકાર વળી શું છે ?
૧.૩ બીજા કદાચ એમ કહે કે ધ્વનિ નથી જ. પ્રસિદ્ધ પ્રસ્થાન (સિદ્ધાન્તો)થી વિરુદ્ધ જનારા કાવ્યપ્રકારમાં કાવ્યત્વ જ ન રહે માટે. સદયના હૃદયને આહ્લાદ આપે એવા શબ્દ અને અર્થવાળું હોય તે જ કાવ્ય (એવું તેનું) લક્ષણ છે. અને તે ઉક્ત સિદ્ધાન્તોથી જુદા પડતા સિદ્ધાન્તમાં સંભવતું નથી. (ધ્વનિ) સિદ્ધાન્તમાં માનનારા કેટલાકને સહૃદયો ધારી લેવામાં આવે અને તેમની
ખ્યાતિને લીધે ધ્વનિને કાવ્યનામ અપાયું હોય તો પણ તે (ધ્વનિ) બધા વિદ્વાનોનાં મન ગ્રહી શકતો નથી.