________________
ધ્વન્યાલોક સાહિત્યનો વ્યાપ ઘણો વિશાળ છે. એકની એક ભાષામાં કેટલાક કવિઓ પ્રાચીન કે ઓછા જાણીતા કવિઓનાં કાવ્યોમાં થોડો ફેરફાર કરી પોતાના કાવ્ય તરીકે, નવી રચના તરીકે ખપાવતો હોય છે. કોઈવાર ભાષાનું સામ્ય હોય તો કોઈવાર વિચારોનું સામ્ય હોય. કોઈ કવિ કોઈ શ્લોકમાં એક કે અધું ચરણ બીજા કોઈ કવિનું પ્રયોજે છે. વર્તમાન સમયમાં અંગ્રેજીના વિશાળ સાહિત્યમાંથી કોઈ વાર્તા, કાવ્ય કે કોઈ વિચારની ઉઠાંતરી કરી પોતાની પ્રાદેશિક ભાષામાં, પાત્રોનાં થોડાં નામ બદલી, સ્થાનિક વાતાવરણનો ઓપ આપી, પોતાના નામે કૃતિ પ્રગટ કરતા હોય છે.
કોઈ નાટક કે મહાકાવ્યના આધાર તરીકે વાર્તબીજ, ઈતિહાસ, પુરાણ વગેરેમાંથી લઈ, કેટલાક પ્રસંગોનું કે પાત્રોનું નવસર્જન કરી સ્વતંત્ર કૃતિ લખે તો તે ચોરી નથી.
કેટલીકવાર શ્લોકમાં ભાષાનું અને વિચારનું સામ્ય આપોઆપ, અકસ્માત પણ આવી ગયું હોય તેમ બને છે. કેટલીકવાર એક વિચાર પર બે-ચાર કાવ્યો મળે છે. Plagiarism in poetry સાહિત્યચોરી, પર સૂક્ષ્મ અને વિસ્તૃત વિચાર રાજશેખરે (ઈ.સ. ૯મી-૧૦મી સદી) “કાવ્યમીમાંસા'માં કર્યો છે. 'કાવ્યમીમાંસાના અધ્યાય ૧૧,૧૨,૧૩ માં શબ્દ હરણ, શબ્દાર્થહરણ, અર્થહરણની ચર્ચા કરી છે. આ વિષય પર રાજશેખરના પુરોગામી આનંદવર્ધને પણ સારો પ્રકાશ પાડ્યો છે.
આનંદવર્ધને શબ્દાર્થહરણ કે એવો કોઈ શબ્દ પ્રયોજ્યો નથી. પણ સંવાદ શબ્દ પ્રયોજ્યો છે. નાટકમાં ‘બે પાત્રો વચ્ચેનો સંવાદ' (dialogue) એવા શબ્દપ્રયોગમાં સંવાદ શબ્દનો જે અર્થ છે તે અત્રે અભિપ્રેત નથી
‘સંવાઃ અર્થસારથ' માં કહ્યા પ્રમાણે અન્યની સાથેના સદશ્યને સંવાદ કહે છે. સંવાદ-સમાન ઉક્તિઓ. કાવ્યો વચ્ચે સંવાદો (સરખાપણું) તો ઘણા જોવા મળે છે. કેવા સંવાદો સ્વીકાર્ય છે, કાવ્યતત્ત્વવાળા છે અને કેવા સંવાદો અસ્વીકાર્ય છે, કાવ્યતત્ત્વ વિનાના છે, દોષપૂર્ણ છે એની ચર્ચા આનંદવર્ધને ૪/૧૧ થી ૧૪ અને વૃત્તિમાં કરી છે.
કાવ્યમાં સામ્ય ત્રણ પ્રકારનું હોય છે. કાવ્ય, પ્રતિબિંબ જેવાં હોય, આલેખ્ય (ચિત્ર) જેવાં હોય અને સરખા દેહી (મનુષ્ય) જેવાં હોય. કેટલાંક કાવ્યો એવાં હોય છે કે જેમાં બીજા કોઈ કાવ્યનું પ્રતિબિંબ માત્ર હોય. અન્ય કાવ્યના શબ્દોમાં થોડો ફેરફાર હોય. આવાં કાવ્યો ચમત્કૃતિ સહિત હોવાથી કવિની પ્રતિભાનું તેમાં દર્શન થતું નથી.