________________
તૃતીય ઉદ્યોત: ૨૪
૨૦૫
પ્રધાનભૂત શૃંગાર વગેરે રસના પ્રબંધન્યય (તરીકે) હોય ત્યારે તેના અવિરોધી અથવા વિરોધી રસને પરિપોષ સુધી નહીં પહોંચાડવો જોઈએ.
(૧) તેમાં અવિરોધી રસની, અંગિરસની અપેક્ષા એ, અત્યંત અધિકતા નહીં બતાવવી જોઈએ. તે આ પહેલો પરિપોષનો પરિહાર છે. ઉત્કર્ષનું સામ્ય હોવા છતાં તે બંનેનો વિરોધ સંભવિત નથી. જેમ કે- ‘‘એક બાજુ પ્રિયા રડી રહી છે બીજી બાજુ રણભેરીનો અવાજ સંભળાય છે. એટલે સ્નેહ અને રણરાગથી (યુદ્ધના રસથી) યોદ્ધાનું હૃદય દોલાયમાન થઈ રહ્યું છે.’’
(અહીં વીર અને શૃંગારનું સામ્ય હોવા છતાં પણ અવિરોધ છે.) અથવા (બે રસોમાં સામ્ય, તો યે અવિરોધનું બીજું ઉદાહરણ) જેમ કે‘“ગળામાંથી હાર કાઢીને રુદ્રાક્ષમાળાની જેમ હાથમાં ફેરવતી, નાગરાજને બદલે મેખલાસૂત્રથી પર્યંકબંધ (એ પ્રકારનું) આસન બાંધી, મિથ્યા મંત્રો જપતી હોય તેમ (ફડતા) હાલતા અધરહોઠથી, હાસ્ય વ્યક્ત કરતી અને સંધ્યા પ્રત્યેની ઇર્ષ્યાને લીધે પશુપતિ (શિવ)નો ઉપહાસ કરતી દેખાતી દેવી પાર્વતી તમારું રક્ષણ કરો.’’
એમ અહીં (પ્રસ્તુત ઇર્ષ્યાવિપ્રલંભ અને તેના વિરોધી મન્ત્રજાપ વગેરેથી વ્યંગ્ય શાંત-આ બંને રસોનું સામ્ય હોવા છતાં વિરોધ નથી.)
(૨) અંગિરસના વિરોધી વ્યભિચારિભાવોનું અધિક નિરૂપણ ન કરવું. અથવા કર્યું હોય તો એક્દમ અંગિરસના વ્યભિચારીને અનુસરવું તે બીજો (પરિપોષ પરિહાર) છે.
(૩) અંગભૂત રસનો પરિપોષ ર્યા પછી પણ વારે વારે તેની અંગરૂપતાનું ધ્યાન રાખવું એ (પરિપોષના પરિહારનો) ત્રીજો (પ્રકાર) છે. આવી રીતે બીજા પ્રકારો પણ (જાતે) સમજી લેવા જોઈએ. (જેમકે) કોઈ વિરોધી રસ (હોય તો તેની) અંગિરસની અપેક્ષા એ ન્યૂનતા (ઉણપ) લાવવી જોઈએ. જેમકે અંગી શાંત રસમાં શૃંગારની અથવા (અંગી) શૃંગારમાં શાંતની.
જો કહો કે પરિપોષરહિત રસનું રસત્ય કેમ હોય ? તે અહીં કહ્યું છે (ઉત્તરમાં) કે (‘સાપેક્ષા’’ અર્થાત્) ‘“અંગિરસની અપેક્ષાએ.’’ (એટલે કે) પ્રધાનરસનો જેટલો પરિપોષ કરવામાં આવે તેટલો પરિપોષ એ (વિરોધીરસ)નો નહીં કરવો જોઈએ. બાકી, સ્વતઃ થનાર પરિપોષને કોણ રોકી શકે ?
અનેક રસવાળા પ્રબંધોમાં રસોના (પરસ્પર) અંગાંગિભાવને ન માનનારા પણ આ આપેક્ષિક (=પ્રધાનરસને અધિક અને બાકીના રસોનો ઓછા) પ્રકર્ષનું ખંડન કરી શકતા નથી. (ઇન્કાર કરી શકતા નથી) આ રીતે પણ પ્રબંધોમાં અવિરોધી અને વિરોધી રસોનો અંગાંગિભાવથી સમાવેશ કરવામાં અવિરોધ હોઈ શકે છે.