________________
તૃતીય ઉદ્યોતઃ ૨૨, ૨૩, ૨૪
૨૦૩ કારિકા-૨૨ અને વૃત્તિ ઃ બીજા અનેક રસો પરિપોષ પામ્યા હોય છતાં એકની જ અંગિતા (તેને મુખ્ય રાખવા પણું) વિરોધી કેમ નથી એવી આશંકાથી આ કહે છે. -
બીજા રસોની સાથે જે પ્રસ્તુત રસનો સમાવેશ છે તે સ્થાયીરૂપથી પ્રતીત થનાર આ (પ્રધાનરસ)ના અંગિત્યનું વિઘાતક થતું નથી
(કાવ્ય, નાટક વગેરે) પ્રબંધોમાં (બીજાની અપેક્ષાએ) પહેલાં જ યોજાયેલ અને પછી ફરી ફરીને અનુસંધાનોથી જે સ્થાયી રસ છે, સંપૂર્ણ પ્રબંધમાં (આદિથી અંત સુધી) રહેલા, તે રસની વચ્ચે વચ્ચે આવેલા અન્ય રસોની સાથે જે સમાવેશ છે, તે તેની અંગિતાને (પ્રાધાન્યને) હણતો નથી. કારિકા-૨૩ અને વૃત્તિ: આ જ વાતનું સમર્થન કરવા કહે છે
જેમ પ્રબંધમાં વ્યાપક (પ્રાસંગિક બીજા કાર્ય અથવા આખ્યાન વસ્તુથી પરિપુષ્ટ) એક પ્રધાન કાર્ય રાખવામાં આવે છે (અને બીજાં અનેક કાર્ય તેને પરિપુષ્ટ કરે છે) એવી રીતે રસના વિધાનમાં પણ વિરોધ નથી. (અર્થાત્ પ્રબંધવ્યાપી એક પ્રધાનરસની સાથે ગૌણ રીતે રહેલા બીજા રસોના સમાવેશમાં કોઈ હાનિ પહોંચતી નથી.)
જેમ સંધિ વગેરેથી યુક્ત પ્રબંધના શરીરનું એક જ વસ્તુ અનુયાયી (અંત સુધી ચાલતું) અને વ્યાપક ગણાય છે, અને જેમ તે બીજા કાર્યોથી સંકળાતું નથી એમ પણ નથી, અને જેમ વળી તેની સાથે ભળે તો ય તેનું પ્રાધાન્ય ઓછું થતું નથી તેમ, એક રસનો (બીજા સાથે) સમાવેશ કરવામાં કોઈ વિરોધ નથી, બલકે જાગૃત વિવેકવાળા અને અનુસંધાન જાળવનારા સહૃદયોને એવા વિષયમાં ખૂબ આનંદ આવે છે.
કારિકા૨૪ અને વૃત્તિઃ જે રસોનો પરસ્પર વિરોધ નથી હોતો જેમકે વીર અને શૃંગારનો (યુદ્ધનીતિ, પરાક્રમ વગેરેથી કન્યારત્નના લાભમાં) શૃંગાર અને હાસ્યનો, રૌદ્ર અને શૃંગારનો, વીર અને અદ્ભુતનો, વીર અને રોદ્રનો, રૌદ્ર અને કરુણનો અથવા શૃંગાર અને અદ્ભુતનો-ત્યાં અંગાંગિભાવ ભલે થઈ જાય. પરંતુ તેનો તે (અંગાંગિભાવ) કેવી રીતે થશે જેમની વચ્ચે (જે રસો વચ્ચે) (પરસ્પર) બાધ્યબાધકભાવ (વિરોધ) છે ? જેમ કે શૃંગાર અને બીભત્સનો, વીર અને ભયાનકનો, શાંત અને રૌદ્રનો અથવા શાંત અને શૃંગારનો (તેમની વચ્ચે અંગાંગિભાવ કેવી રીતે આવી શકશે) એ આશંકાથી આ કહે છે- (બાધ્ય બાધક વિરોધ કેવી રીતે દૂર થાય?) -
જ્યારે બીજો રસ પ્રધાન હોય તેના અવિરોધી કે વિરોધી (કોઈ પણ) રસને (અત્યંત) પરિપષ સુધી નહીં પહોંચાડવો જોઈએ. એ રીતે વિરોધ નહીં રહે.'