________________
તૃતીય ઉદ્યોત ૨૦, ૨૧
૨૦૧ અથવા વાક્યર્થ બનેલા કોઈ કરુણરસના વિષયને ખાસ ભંગિના આશ્રયથી, તેના જેવા શૃંગારના વિષય સાથે જોડી દેવો તેથી રસનો પરિપોષ જ થાય છે. કારણ કે પ્રકૃતિથી જ મધુર પદાર્થો શોચનીય સ્થિતિમાં આવી પડે ત્યારે પૂર્વ અવસ્થાના (અનુભવેલા) સૌંદર્યના સ્મરણથી અધિકતર શોકના આવેગને ઉત્પન્ન કરે છે. જેમ કે,
રશના (કંદોરો)ને ઉપર ખેંચનારો, પુષ્ટ સ્તનોનું મર્દન કરનારો, નાભિ, ઊરુ, જઘનને સ્પર્શ કરનારો, નવી (નાડું)ને ઢીલી કરનારો (પ્રિયતમનો) આ તે જ હાથ છે.” વગેરેમાં.
તેથી અહીં (ત્રિપુરારિ શિવના શરાગ્નિને લગતા શ્લોકમાં) શંભુનો શરાગ્નિ આર્કાપરાધ કામી જેવો (= તરતનો જ અપરાધ કરેલા કામી જેવો) વ્યવહાર કરે છે (એથી યાદ કરાતો કામીનો વ્યવહાર, વર્તમાન કરુણરસનો પરિપોષક હોય છે.) એ રીતે નિર્વિરોધત્વ છે (વિરોધ રહેતો જ નથી). માટે જેમ જેમ બતાવાય છે તેમ તેમ આમાં દોષનો અભાવ દેખાય છે એવી જ રીતે
ઘવાયેલી કોમળ આંગળીઓમાંથી ટપક્તા લોહીવાળી, એથી જાણે અળતો લગાવ્યો હોય એવા પગથી, દર્ભવાળી ભૂમિ પર ચાલતી, ખરતાં આંસુઓથી જેનાં મુખ ધોવાઈ ગયાં છે એવી, ભયભીત હોવાથી, પતિઓના હાથમાં હાથ પકડીને. તમારા શત્રુઓની સ્ત્રીઓ અત્યારે જાણે ફરીવાર વિવાહને માટે નીકળી હોય એમ, દાવાગ્નિની ચારે બાજુ ફરી રહી છે.”
વગેરે. આવા સર્વે (ઉદાહરણોમાં વિરુદ્ધ પ્રતીત થતા રસાદિ)નો અવિરોધ સમજવો જોઈએ.
આ રીતે રસાદિનો, વિરોધી રસાદિ સાથે સમાવેશ અને અસમાવેશનો વિષયવિભાગ દર્શાવ્યો.
કારિકા-૨૧ અને વૃત્તિઃ તેમને એક જ પ્રબંધમાં ગોઠવવામાં જે ઉચિતમ છે તે દર્શાવવાને હવે કહે છે
“(મહાકાવ્ય, નાટક વગેરે) પ્રબંધોમાં અનેક રસોની યોજના કરવાનું પ્રસિદ્ધ હોવા છતાં તેનો ઉત્કર્ષ ચાહનાર કવિ એ કોઈ એક રસને અંગી (પ્રધાન) રસ (ચોક્કસ) બનાવવો જોઈએ.”
મહાકાવ્ય વગેરે (અનભિનય) કે નાટક વગેરે (અભિનેય) પ્રબંધોમાં છૂટી છૂટી રીતે કે અંગાગિભાવથી ઘણા રસો રચાય છે એની પ્રસિદ્ધિ હોવા છતાં જે (કવિ) પ્રબંધના સૌંદર્યાતિશયને ચાહે છે તેને તે રસોમાંથી કોઈ એક વિવક્ષિત રસને પ્રધાન (અંગી) તરીકે રાખવો એ જ બહેતર છે. (યોગ્ય માર્ગ છે.)