________________
પ્રસ્તાવના
જિનશાસનમાં સુપાત્ર તરીકે સાત ક્ષેત્રનું વર્ણન આવે છે. ૧. શ્રી જિનમૂર્તિ ૨. શ્રી જિનમંદિર ૩. શ્રી જિનાગમ ૪. સાધુ ૫. સાધ્વી ૬. શ્રાવક ૭. શ્રાવિકા. આ સાત સુપાત્રોમાં પોતાના ધનનું વપન કરીને પરંપરાએ શ્રાવક મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ સાતે ક્ષેત્રોમાં ધન આવે એટલે એ ધનની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની શાસ્ત્રમર્યાદા પણ આવે.
શ્રી જિનપ્રતિમાને સ્થાપન કરવા માટે શ્રી જિનમંદિર જોઈએ. શ્રી જિનમંદિરમાં શ્રી જિનપ્રતિમા પ્રતિષ્ઠિત થાય એટલે એની પૂજા અર્ચના પણ થાય. આમાં સૌ પોતપોતાની ભાવનાનુસાર, કોઈ જિનપ્રતિમા અને જિનાલયની સમક્ષ પોતાનું પૂજા દ્રવ્ય કે ધન સમર્પિત કરી જાય, તો કોઈ જિનપ્રતિમા અને જિનાલયની ક્રમશઃ પૂજા અને સારસંભાળાદિ સહજતાથી થઈ શકે તે માટે મોટી રકમ, સુવર્ણ, ખેતર, મકાન, દુકાન, ગામ, નગર કે બગીચા જેવી વસ્તુ પણ સમર્પિત કરી જાય. પૂજા રૂપે (પૂજાથી ઉત્પન્ન થયેલા) સમર્પિત કરેલા દ્રવ્યનો જિનાલયના જીર્ણોદ્ધારાદિ કાર્યમાં ઉપયોગ કરી શકાય અને પૂજાદિ માટે સમર્પિત કરેલા દ્રવ્યથી જિનપ્રતિમાની પૂજા-અર્ચના થાય અને જિનાલયની સારસંભાળાદિ પણ થાય. પૂજા માટે સમર્પિત કરેલા દ્રવ્યનો જરૂર પડે જીર્ણોદ્ધારાદિ કાર્ય માટે ઉપયોગ થઈ શકે, પણ પૂજા રૂપે આવેલા (પૂજાથી ઉત્પન્ન થયેલા) દ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં જ થાય. શ્રાવક પોતાની પૂજાના કર્તવ્ય માટે આનો ઉપયોગ ન કરી શકે. આ રાજમાર્ગ છે.
આવી સાતે ક્ષેત્ર માટે વ્યવસ્થા કરવાની શાસ્ત્રમર્યાદા ગ્રંથોમાં જોવા મળે છે. જે શ્રાવક શાસ્ત્રમર્યાદાનુસાર ધર્મક્ષેત્રનો વહીવટ કરે છે, ધર્મદ્રવ્યની વૃદ્ધિસંરક્ષણ કરે છે તે યાવત્ તીર્થકર પણ બની શકે છે. તેની જેમ અજ્ઞાન, સંશય, વિપર્યય, લોભ કે કદાગ્રહ આદિના કારણે દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરે, વિનાશ કરે અથવા ભક્ષણ કરનાર, વિનાશ કરનારની ઉપેક્ષા કરે તો અનંતસંસારી પણ થાય. દેવદ્રવ્યાદિના ભક્ષણ-નાશની ઉપેક્ષા સાધુ પણ જો કરે તો તે પણ અનંત સંસાર વધારે એવું શાસ્ત્રવચન છે. આ જ કારણથી અજાણતા પણ દેવદ્રવ્યનો દુરુપયોગ ન થઈ જાય તે માટે શ્રાવક સતત સાવધાન રહેતો