________________
પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૭
- કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા સર્વથા કલ્પિત છે. કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા રજૂ કરતી ગાથામાં પૂર્વોક્ત ઠરાવમાં જણાવેલી વાતની ગંધ પણ જોવા મળતી નથી. એ ગાથામાં ગીતાર્થોનું નામ કે નિર્દેશ સુદ્ધાં નથી.
– વળી, આ ઠરાવમાં સંબોધ પ્રકરણમાં આપેલી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા માટેની ગાથામાં દર્શાવેલ શ્રીમંત ગૃહસ્થો કે મંદિર બંધાવનાર ગૃહસ્થોને મૂળમાંથી જ ઉડાવી દેવામાં આવ્યા છે. દેવદ્રવ્યના ત્રણ પ્રકારનું વર્ણન કરતી ગાથાઓ અને તેના અર્થો પ્રકરણ-૨માં આપેલા છે.
– આ ઠરાવમાં સ્વપ્નાદિકની બોલીઓનો કલ્પિત દ્રવ્યમાં સમાવેશ કર્યો છે, તે સંબોધ પ્રકરણ કે બીજા કોઈ પણ ગ્રંથ સાથે તથા વિ.સં. ૧૯૭૬ આદિના શ્રમણ સંમેલનોના ઠરાવો સાથે સંગત થઈ શકે તેમ નથી. વધુમાં કલ્પિત દ્રવ્યની વ્યાખ્યામાં છેલ્લી લાઈનમાં લખ્યું છે કે “તેઓએ સમર્પિત કરેલ” તો અહીં “તેઓએ” એમ જે લખ્યું છે, તેમાં ‘તેઓ તરીકે કોને ગ્રહણ કરવા માંગે છે ? તે સ્પષ્ટપણે જણાવવું જરૂરી હતું.
– છેલ્લે છેલ્લે જે “વગેરે વગેરે” લખ્યું છે, તો આ “વગેરે વગેરેથી શું સમજવું તે સ્પષ્ટ નથી કર્યું.
– આ નિર્ણયના છેલ્લા પેરેગ્રાફમાં ભગવાનનાં પૂજાનાં દ્રવ્યો આદિ જે જે કાર્યો માટે કલ્પિત દ્રવ્યનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે, તે તે કાર્યોમાં અત્રે જે બોલી વગેરેના ધનનો કલ્પિત દ્રવ્યમાં સમાવેશ કરાયો છે, તે બોલી વગેરેના ધનનો કદાપિ ઉપયોગ થઈ શકે નહિ. કારણ કે, શાસ્ત્ર અને પરંપરાનો એમાં વિરોધ છે.
– શ્રાવકે જે પૂજા વગેરે કાર્યો કરવાનાં છે, તે પોતાની શક્તિ મુજબ પોતાનાં દ્રવ્યથી જ કરવાનાં છે, તે માટે કદી પણ કોઈપણ પ્રકારનાં દેવદ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહિ અને શ્રાવકે કરવાની પૂજા માટે જે જે પૂજાનાં દ્રવ્યો વગેરે આવશ્યક હોય તે કોઈપણ પ્રકારનાં દેવદ્રવ્યમાંથી લાવી શકાય નહિ.