________________
૩૪૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૨૧)
રાજકોટ તા. ૮-૮-૫૪ પં. કનકવિજય ગણિ આદિ ઠા. ૬ તરફથી તત્ર દેવગુરુ-ભક્તિકારક શ્રમણોપાસક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે અત્રે દેવગુરુ કૃપાથી સુખશાતા છે. તમારો તા.૪-૮-૧૪નો પત્ર મળ્યો. જણાવવાનું કે સ્વપ્નાં, પારણું આ બન્નેની ઉપજ દેવદ્રવ્ય ગણાય. અત્યાર સુધી સુવિહિત શાસનમાન્ય પૂ. આચાર્યદેવોનો એ જ અભિપ્રાય છે. શ્રી તીર્થકર દેવોની માતા આ સ્વપ્નોને જુએ છે. માટે તે નિમિત્તે જે કંઈ બોલી બોલાય તે શાસ્ત્રદષ્ટિએ તથા વ્યવહારૂદષ્ટિએ તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય.
સેનપ્રશ્ન ૩ જા ઉલ્લાસમાં પં. વિજયકુશલગણિકૃત પ્રશ્નના (૩૮મા પ્રશ્નમાં પૂછેલું છે. તેના) જવાબમાં જણાવ્યું છે કે દેવને માટે આભૂષણ કરાવ્યા હોય તે ગૃહસ્થને તે આભૂષણો કલ્પે નહિ. કારણ અભિપ્રાય સંકલ્પ દેવનિમિત્તનો હોય તો ન કલ્પે.
તે રીતે સંઘ વચ્ચે જે સ્વપ્નાંઓ કે પારણું દેવ સંબંધી છે. તેને અંગે બોલી બોલે તો તે દ્રવ્ય સ્પષ્ટ રીતે સંકલ્પ દેવ સંબંધીનો હોવાથી દેવદ્રવ્ય ગણાય. ૧૯૯૦માં સાધુ સંમેલન થયેલું ત્યારે પણ મૌલિક રીતે પૂ. આચાર્યદેવોએ સ્વપ્નાનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય. તેવો નિર્ણય આપેલો છે. તદુપરાંત ૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ (મુંબઈ)ના સંઘે એવો ઠરાવ કરવાનો વિચાર કરેલો કે સાધારણ ખાતામાં ખોટ રહે છે માટે સ્વપ્નાનું ઘી વધારી તેનો અમુક ભાગ સાધારણ ખાતે લઈ જવો તે અવસરે અમને આ હકીકતની ખબર પડી ત્યારે (શ્રી સંઘના નામની) વિદ્યમાન પૂ. આચાર્યદેવોની સેવામાં આ વિષે અભિપ્રાય સલાહ માંગવા પત્ર વ્યવહાર શ્રી સંઘને કરવા અને સૂચના કરેલી. એ પત્ર વ્યવહારમાં જે જવાબો આપેલા તે બધા મારી પાસે હતા જે કલ્યાણના દશમાં વર્ષમાં પ્રસિદ્ધ કરવા મોકલેલા તે તમે જોઈ શકશો. તેથી પણ સિદ્ધ થાય છે કે સ્વપ્નાની ઉપજ પારણાંની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય અને ઉપદેશ સપ્તતિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દેવનિમિત્તનું દ્રવ્ય દેવસ્થાન સિવાય અન્ય સ્થાને વપરાય નહિ.