________________
પરિશિષ્ટ-૨
૩૨૫
તમારે ત્યાં આજ સુધી ઉછામણીનો ભાવ એક મણે અઢી રૂપિયાનો હતો અને તે બધું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ ગણવામાં આવતું. તે અઢી રૂપિયા દેવદ્રવ્યના કાયમ રાખીને મણનો ભાવ તમો પાંચ રૂપિયા ઠરાવ્યો અને બાકીના રૂપિયા અઢી સાધારણમાં લઈ જવાનું નક્કી કર્યું, તે અમને શાસ્ત્રદૃષ્ટિએ વ્યાજબી લાગતું નથી. આજે તો તમોએ સ્વપ્નની ઉછામણીમાં આ કલ્પના કરી, કાલે પ્રભુની આરતી પૂજા વગેરેના ચઢાવામાં ઉપર મુજબ કલ્પના કરશો, તો પછી તેમાં શું પરિણામ આવશે ? માટે હતું એ સર્વોત્તમ હતું કે, સ્વપ્નની ઉછામણીના અઢી રૂપિયા કાયમ રાખો અને સાધારણની ઉપજ માટે સ્વપ્નની ઉછામણીમાં કોઈપણ જાતની કલ્પના ન કરતાં બીજો ઉપાય શોધો. એ વધુ ઉત્તમ છે. એ જ ધર્મકરણીમાં ઉજમાળ રહેવું.
(૫)
ઇડર આ. સુ. ૧૪
પૂજ્ય આ. મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી તત્ર સુશ્રાવક દેવગુરુ ભક્તિકા૨ક જમનાદાસ મો૨ા૨જી યોગ્ય ધર્મલાભ વાંચશો.
તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણી, તમો દેવદ્રવ્યનો ભાવ રૂપિયા ૨।। છે. તેનો પાંચ કરી ૨॥ સાધારણ ખાતામાં લઈ જવા માંગો છો તે જાણ્યું, પરંતુ તેમ થવાથી જે પચીશ મણ ઘી બોલવાના ભાવવાળો હશે તે બારમણ બોલશે. એટલે એકંદરે દેવદ્રવ્યને નુકશાન થવાનો ભય રહે છે, માટે એમ કરવું એ અમોને ઉચિત લાગતું નથી. સાધારણ ખાતાની આવક કોઈ પ્રકારના લાગા નાખીને ઉત્પન્ન કરવી એ ઠીક લાગે છે. બીજા ગામોમાં શી રીતે થાય છે તેની અમોને ખાસ માહિતી નથી. જ્યાં જ્યાં હમોએ ચોમાસું કર્યું છે ત્યાં ત્યાં દેવદ્રવ્યમાં મોટે ભાગે ગયું છે. કેટલેક ઠેકાણે સુપનની આવકમાંથી અમુક આની સાધારણ ખાતામાં લઈ જાય છે. પરંતુ એ પ્રમાણે કરનારા ઠીક નથી કરતા એમ અમારી માન્યતા છે. એ જ ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો.
૬. પ્રવીણવિજયના ધર્મલાભ.