________________
૨૬૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કિંમતના વસ્ત્રાદિ આપવા પૂર્વક ઉપરનું પ્રાયશ્ચિત્ત આપવાનું કહ્યું છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વે જણાવ્યા મુજબના બે પ્રકારે સાધુ પાસે આવેલા સુવર્ણાદિના ઉપભોગમાં પ્રાયશ્ચિત્ત શું આવે તેની વાત ટીકામાં ક્યાંયે જણાવી નથી. અર્થાત્ પૂસિદ્ધસેનદિવાકર સૂ.મ.ને વિક્રમ રાજાએ આપેલ ક્રોડ દ્રવ્ય અને વેષધારી સાધુના સુવર્ણાદિ દ્રવ્યના ઉપભોગના પ્રાયશ્ચિત્ત અંગે ટીકાકારશ્રીએ કશું જ કહ્યું નથી.
– અહીં જ બે પક્ષ પડે છે -
(૧) એકપક્ષ ત્યાં વસ્ત્રાદિ પદના “આદિ' પદથી સુવર્ણાદિ ગ્રહણ કરે છે અને એમ કહે છે કે, સુવર્ણાદિ દ્રવ્યના ઉપભોગમાં વસ્ત્રાદિના પ્રાયશ્ચિત્ત જેવું જ પ્રાયશ્ચિત્ત આવે અને તેનો તાત્પર્યાર્થ એવો કાઢે છે કે, સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ સાધુવૈયાવચ્ચમાં થઈ શકે છે. તેથી જ તેવા સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો કોઈ શ્રાવક ઉપભોગ કરે તો તેને સાધુવૈયાવચ્ચમાં એટલું સુવર્ણાદિ આપવા પૂર્વક ઉપર કહેલું પ્રાયશ્ચિત્ત આવે છે. તે પક્ષની દલીલ છે કે, જો તે સુવર્ણાદિ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યરૂપ બનતું હોય તો તેના ઉપભોગમાં દેવદ્રવ્યમાં તેટલી રકમ આપવાપૂર્વક પ્રાયશ્ચિત્ત લખ્યું હોત. પણ તેવું ત્યાં લખ્યું નથી. તેથી એવો સાર નીકળે છે કે, સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ સાધુવૈયાવચ્ચાદિમાં થઈ શકે છે.
(૨) બીજો પક્ષ એમ કહે છે કે, ત્યાં વસ્ત્રાદિ પદના “આદિ પદથી પાત્રા આદિ ગ્રહણ કરેલ છે અને સુવર્ણાદિના ઉપભોગ માટેનું પ્રાયશ્ચિત્ત ત્યાં જણાવેલ જ નથી.
– બીજા પક્ષની પહેલી દલીલ એ છે કે, દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્ન ગ્રંથમાં સુવર્ણાદિક ગુરુદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યનિર્માણાદિમાં જણાવેલ છે. (અહીં “આદિ પદથી વૈયાવચ્ચ ન લઈ શકાય તે પહેલાં વિસ્તારથી જણાવેલ જ છે.) હવે જો આવા સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો શ્રાવક ઉપભોગ કરે તો તેને પ્રાયશ્ચિત્તમાં તેટલું સુવર્ણાદિ દ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં આપવા પૂર્વક ઉપર કહેલું પ્રાયશ્ચિત્ત આવે.