________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૭ આપ્યો નહિ. ગુરુ મહારાજે એ પ્રમાણે પૂછવાથી, શેઠના એ બે નોકરોમાંનો જે એક નોકર ગાયોને ચરાવવાનું કામ કરનારો હતો, તે બોલ્યો કે “ગુરુદેવ! મારી પાસે દ્રવ્ય તો છે, પણ એ ઘણું થોડું છે. મારી પાસે માત્ર પચીસ કોડી જ છે! એટલે ગુરુ મહારાજે કહ્યું કે “થોડું પણ તપ અને દાન આદિ જો પોતાની શક્તિ ગોપવ્યા વિના જ શુદ્ધ ભાવથી કરવામાં આવે, તો તેથી વિપુલ ફળની પ્રાપ્તિ થાય છે!”
ગુરુ મહારાજના મુખેથી આવો જવાબ સાંભળતાં એ ગોપાલક નોકરને બહુ જ આનંદ થયો. એને લાગ્યું કે “આટલામાં પણ હું ભગવાનની ભક્તિ કરી શકું છું. એટલે બસ છે!' તરત જ તે ત્યાંથી ઊઠ્યો. શેઠ પણ સાથે ગયા. પોતાની પાસે જે દ્રવ્ય હતું, તે સર્વ દ્રવ્યનાં એ નોકરે પુષ્પો ખરીદ્યાં અને એ પુષ્પો દ્વારા એણે બહુ ઉલ્લાસપૂર્વક ભગવાનની પૂજા કરી ! આ રીતે ગુરુ મહારાજ પાસેથી ઊઠીને ગોપાલક નોકર પૂજા કરવા ગયો, પણ શેઠનો બીજો નોકર તો ત્યાંનો ત્યાં જ બેસી રહ્યો. પેલો ગયો, પણ આ ઊઠ્યો નહિ. એનું મન તત્કાળ ઉદ્વિગ્ન બની ગયું. એને થયું કે “એની પાસે એટલું થોડું પણ દ્રવ્ય હતું અને મારી પાસે તો કાંઈ નથી ! હું શું કરું?
ઉદ્વિગ્નપણે તે બીજો નોકર આવો વિચાર કરતો હતો, ત્યાં જ એક માણસને તેણે ગુરુ મહારાજની પાસેથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરતો જોયો. ગુરુ મહારાજ પચ્ચખાણ આપી રહ્યા, એટલે શેઠનું ઘરકામ કરનારા આ નોકરે, ગુરુ મહારાજને પૂછ્યું કે “હે ભગવન્! આ માણસે આ શું કર્યું?” ગુરુ મહારાજ કહે છે કે “ભદ્ર! આ માણસે આજે તપ કર્યો.' આમ કહીને ગુરુ મહારાજે તેને તપના અંગીકારનો વિધિ સમજાવ્યો અને તપ કરવાથી કેવું ફળ મળે છે, તે પણ તેને કહ્યું.
આ સાંભળીને એ નોકરે તરત જ તપ કરવાનો નિર્ણય કરી લીધો. એને લાગ્યું કે પૈસા નથી, તો પૈસા વિના પણ થઈ શકે એવું આ ઉત્તમ કાર્ય છે!” એની પાસે જો પૈસા હોત, તો એ પોતાના દ્રવ્યનો વ્યય કરીને પૂજા કર્યા વિના રહેત નહિ, પણ એની પાસે પૈસા નહોતા, એટલે એનું મન લાચાર બની ગયું હતું. આમ છતાંય પૈસા વિના પણ જે ધર્મકત્ય થઈ શકે તેમ હોય, તે ધર્મકત્ય કરવાની એની મનોવૃત્તિ તો હતી જ. એટલે એણે ઝટ ગુરુ મહારાજની પાસે ઉપવાસનું પચ્ચખાણ કરી લીધું.
(પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ! પુસ્તકમાંથી સાભાર.)
ટિપ્પણી :- ઉદાહરણ ઘણું ઘણું કહી જાય છે. એમાં બધું જ સ્પષ્ટ છે. ટિપ્પણીની આવશ્યકતા નથી. અભણ અને તેવા પ્રકારના સંસ્કારથી રહિત નોકરોની ભાવના આવી ભવ્ય હોય તો શ્રાવકની કેવી હોય?