________________
[૧૬] મિત્રોની વૃદ્ધિ
જે સાચી સલાહ આપે, કાર્યમાં મદદગાર થાય અને સંકટસમયે સહાય કરે, તે મિત્ર કહેવાય છે. આવા મિત્રો જેટલા વધારે હોય તેટલું સારું. તેનાથી આપણે સંકલ્પ સિદ્ધ કરવામાં ઘણું સહાય મળે છે અને આપણે ગમે તેવાં કઠિન કાર્યો હાથ ધરવાને શક્તિમાન થઈએ છીએ.
જે મનુષ્ય એમ માને છે કે મારે મિત્રોની જરૂર નથી અને તે કોઈને પિતાના મિત્ર બનાવતું નથી, તે શત્રુઓ વડે શિકસ્ત પામે છે, હરીફેના હાથે હાર ખાય છે અને છેવટે નાશ પામે છે. તેથી જ પંચતંત્રમાં કહ્યું છે કે “જે મનુષ્ય મિત્રોની સંપ્રાપ્તિ કરે છે, તે આ જગતમાં સુખી થાય છે.”
કેટલાક મનુષ્ય એમ માને છે કે આપણે એક કે બે મિત્ર હોય તે બસ છે, પણ આ મંતવ્ય સુધારવા જેવું છે. ખાસ કરીને આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, ઉન્નતિ સાધવી હોય તે મિત્રોની સંખ્યા વધારવી જોઈએ.