________________
શ્રેછી સુદર્શન :
[ ૩૧૯ ] પિછાને છે. આવું જીવન ગાળનાર જે કાયમને માટે કર્મજજાળને અંત આણી શક્યા હોય તો એ કેવળ શુદ્ધ બ્રહ્મચર્યને પ્રભાવ છે. સર્વથા સ્ત્રીસંગ ત્યજી દઈ મનસા, વાચા, કર્મણા શિયળવ્રત ધરનાર, સાચે જ પૂજનીય-અરે ! પ્રાતઃસ્મરણીય છે. પણ જેઓ એટલી હદે નથી જઈ શકતા છતાં સ્વદારાસંતોષી બની પરસ્ત્રી પ્રતિ માતા કે બહેન સદશ વર્તન દાખવે છે તેમનાં નામ પણ અવશ્ય બહુમાનલાયક હોય છે. એવા શીલવંતા માનવી જગતનાં આભૂષણરૂપ છે. એવા પુણ્ય લોકોની સ્મૃતિ સૂર્યોદય પૂર્વે થાય છે. તેથી જ “રવિ પહેલાં ઊગંત’ નું વડભાગી બિરુદ તેમને પ્રાપ્ત થયેલ છે.
આપણા નાયક સુદર્શન શેઠ ઉપરોક્ત નામમાળામાંના એક છે. તેમની જીવનપ્રભા આકરા કણોની તાવણમાં તવાયા છતાં, એકધારી પ્રકાશી રહી. અરે ! અગ્નિપરીક્ષામાં શુદ્ધ કુંદન જેમ છૂપું ન રહે તેમ શ્રેષ્ઠી સુદર્શનની શુદ્ધતા અંધારામાં ન રહી. દારુણ તાપના મારા પછી જેમ સુવર્ણ સો ટચની છાપ પામે છે અથવા તો ટંકશાળી પદની પ્રાપ્તિ કરે છે તેમ વ્યવહાર પટુ વણિક જાતિમાં જન્મેલ સુદર્શન શ્રેષ્ઠી પણ દૃઢ શીલવ્રતના જોરે શૂળી જેવા જીવલેણ સંકટમાંથી અણીશુદ્ધ બહાર આવ્યા અને સારી ય જનતાના આદરપાત્ર બન્યા.
એ મહાત્માના યશગાન આજ પર્યત ગવાય છે એનું કારણ શુદ્ધ ધર્મશ્રદ્ધા અને પરસ્ત્રી પ્રત્યે માતાપણાનો ભાવ જ છે. વર્ષોના વહેવા છતાં–રંગબેરંગી પરિવર્તનો વિશ્વના આંગણે નોંધાયાં છતાં-અરે ભૂકંપના આંચકાથી કલ્પનાતીત ફેરફાર થયાં છતાં હજુ પણ એ નામ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત છે, એટલું જ નહિ પણ જનતાના હૃદયમાં ઊંડું ઊતરેલ છે. શીળવ્રતની વાત વિચારતાં જ શ્રેષ્ઠી સુદર્શન યાદ આવવાના.