________________
********
ટીકા લખાઇ ગઇ પછી પ્રતાકારે તે છાપવાની હતી, ત્યારે હું વીશ વરસનો હતો. મુદ્રણના ક્ષેત્રમાં પણ મારી શરૂઆત હતી છતાં પ્રતિના પાનામાં બે બાજુ ઊભી બોર્ડર મૂકવાની હતી. અમારા પ્રેસવાળાએ તો પ્રૂફમાં ચાલુ બોર્ડર મોકલી આપી. મને થયું કે કંઇક નવું કરવું. તે વખતે અંગ્રેજી ભાષાનો પ્રભાવ સારો વર્તતો હતો. પછી મેં બોર્ડરો પ્રેસવાળાને તૈયાર કરી આપી. ‘નવતત્ત્વ’ -NAVATATVA એના નવ અક્ષરો અને સુમંગલા-SUMANGALA તેના પણ નવ અક્ષરો. કુદરતે સંખ્યાનું સામ્ય બરાબર થયું અને અંગ્રેજીના મૂલાક્ષરોમાં એકબાજુની બોર્ડરમાં નવતત્ત્વ અને બીજી બાજુની બોર્ડરમાં સુમંગલા તેમજ એક એક અક્ષરના આંતરે સાથિયો મૂકાવવાનું રાખ્યું.
ગતજન્મની સુસંસ્કારિતાની સાધનાના કારણે આ જન્મમાં દેવ-ગુરુ કૃપાથી મળેલી સરળતા, નમ્રતા, વિનય, વિવેકશીલતા, સમર્પણભાવ વગેરે સદ્ગુણોના કારણે મારા ઉપર ત્રણેય ગુરુદેવોની અપારકૃપા અને અનહદ વાત્સલ્યભાવ વર્તતો હતો. આ નવતત્ત્વની પ્રતિની ભૂમિકા મારા પૂજ્ય ગુરુદેવે તે વખતે લખેલી. ટીકા હમણાં સાહિત્યમંદિરમાં પોથીઓનું પડિલેહણ શરૂ થયું ત્યારે એક સાધુએ પ્રસ્તાવના વાંચી. મને વાત કરી, એમાં મારા માટેનો ઉલ્લેખ કરતાં પ્રકાશકીય નિવેદનમાં લખ્યું છે કે—
“શિષ્યરત્ન તત્ત્વજિજ્ઞાસુ મુનિવર્ય શ્રી યશોવિજયજીની આ બાબતમાં વિશેષ પ્રેરણા થવાથી ટીકા કરવા સંબંધી નિશ્ચય થયો.” (પૃષ્ઠ નં. ૨)
ત્યારપછી એમાં ભૂમિકા છાપવામાં આવી છે. આ ભૂમિકા ટીકા કરનાર પૂજ્ય ગુરૂજીએ પોતે લખી છે. એમાં ગુરુદેવે લખ્યું છે કે—
“ગુરુદેવોની આજ્ઞાથી તેમજ બાલમુનિ શ્રી યશોવિજયજીના ખાસ આગ્રહથી મારી અલ્પબુદ્ધિનો વિચાર કર્યા વિના જ આ ટીકા લખવાની મને અભિલાષા પ્રગટ થઈ.” (પૃષ્ઠ નં. ૮)
તે પછી પ્રતિના દશમાં પાનામાં પુનઃ ઉલ્લેખ કરતાં લખે છે કે— “ઉમ્મરમાં બાલ છતાં બુદ્ધિમાં અબાલ, તત્ત્વજિજ્ઞાસુ મુનિવર્ય શ્રી યશોવિજયજીની ઉદાત્તપ્રેરણા થવાથી ટીકા લખવાનું જીવનમાં પ્રથમ મંગલ કર્યું.” (પૃષ્ઠ નં.૧૦)
આ પ્રમાણે તેઓશ્રીએ ત્રણ ત્રણ જગ્યાએ નોંધ લીધી છે.
મારી સ્મૃતિ મુજબ આ ટીકા તેઓશ્રીએ ઝડપથી પૂરી કરી નાંખી હતી. કેમકે પ્રસ્તાવનામાં ભૂમિકા લખ્યાની સાલ ૧૯૮૯ લખી છે. ત્યારે મારી ઉમ્મર ૧૯ વરસની હતી અને ત્યારે હું ગુરુદેવ પાસે સંસ્કૃત અને પ્રકરણનો અભ્યાસ કરતો હતો.
[ ૭૦૧ ]