________________
ઉપાધ્યાયજીએ આ ગ્રંથમાં કેટલાં પ્રકરણો લખ્યાં હશે તે ગ્રંથ અધૂરો જ રહી ગયો હોવાથી ચોક્કસ કહી શકાય તેમ નથી. બારમું પ્રકરણ અધૂરું મૂક્યું છે. આ ગ્રંથમાં આપેલાં પ્રકરણોનાં નામો નીચે મુજબ છે. આ યાદી ઉપરથી આ ગ્રંથમાં તર્કની દૃષ્ટિએ વિષયોની અને તર્ક–ન્યાયની દૃષ્ટિએ કરેલી ચર્ચા શેની છે તેનો ખ્યાલ મળી જશે.
૧. સ્વત્વ
૨. વિષયતા
૩. સંસ્કાર સવિષયતા
૪. સ્વપ્રકાશતા
૫. નિર્વિકલ્પક
૬. સ્મૃતિ પ્રામાણ્ય
૭. વિશેષોપલક્ષણ
૮. સંશય લક્ષણ
૯. મન
૧૦. પૃથિવી
૧૧. જલ
૧૨. તેજ ૧૩. વાયુ
૧૪. ....
આ વાદગ્રંથની થોડી વિશેષતા એ છે કે પ્રાચીન તર્ક-ન્યાયના પરંપરાગત વિદ્વાનોએ ‘સ્વત્વ’ આદિ વિષયના કેટલાક વાદો જે લખ્યા છે તેમાં માત્ર પ્રચલિત તર્કની દૃષ્ટિએ જ નિરૂપણ કર્યું છે. જ્યારે ઉપાધ્યાયજીએ એ જ ‘સ્વત્વ’ આદિ વિષયો ઉપર લખ્યું ત્યારે તર્કની દૃષ્ટિએ તો નિરૂપણ કરવાનું સ્વાભાવિક હતું જ; પણ તેની સાથે સાથે જૈન તર્કને અનુસરીને પણ પ્રત્યેક વિષય ઉપર નિરૂપણ કર્યું છે. જેમ કે—અજૈન તાર્કિકો પૃથ્વી, જલ, તેજ, વાયુ આ ચારને સ્વતંત્ર મૂલભૂત તત્ત્વરૂપે માને છે. અર્થાત્ પ્રત્યેકને સ્વતંત્ર પદાર્થરૂપે માને છે. જ્યારે જૈનદર્શન એ બધાયને-સર્વથા સ્વતંત્રરૂપે નથી માનતું પણ તે ચારેયના મૂલભૂત તત્ત્વ તરીકે માત્ર પુદ્ગલ દ્રવ્યને જ સ્વીકારે છે. અને તે કહે છે કે ચારેય માત્ર એક પુદ્ગલના જ વિકારરૂપે છે. મૂળ વાત એ સમજવાની છે કે, જૈન દર્શન આ વિશ્વમાં મૂળભૂત દ્રવ્યો-પદાર્થો છ જ છે, એમ કહે છે. અને તે છ સ્વતંત્ર જ દ્રવ્યો છે. જેનાં નામ અનુક્રમે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ, પુદ્ગલ, અને કાળ છે. આ છ દ્રવ્યો વડે લોકનું–અખિલ (દશ્યાદેશ્ય) વિશ્વનું સ્વરૂપ નિર્માણ થયેલું છે. આ દ્રવ્યો તેની ગુણ પર્યાયો અવસ્થાઓથી યુકત હોય છે, એટલે પ્રતિક્ષણે આ દ્રવ્યો પોતપોતાની મર્યાદા મુજબ વિવિધ પરિણામોને પ્રાપ્ત કરતા
રહે છે.
તમામ દ્રવ્યો સત્, સ્વભાવસિદ્ધ અનાદિનિધન છે અને સમાન છે એટલે કે એક જ અવકાશમાં અન્યોન્ય પ્રવેશ કરી શકે એવાં છે. પોતાના સ્વભાવમાં જ સદાય રહેતા હોવાથી અવસ્થિત છે. એમાં માત્ર જીવ દ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ છે. બાકીનાં પાંચ દ્રવ્યો જડ છે. એમાં માત્ર પુદ્ગલ દ્રવ્ય જ મૂર્ત છે. બાકીનાં પાંચ અમૂર્ત દ્રવ્યો છે. કર્તા, દ્રવ્ય, માત્ર જીવ દ્રવ્ય જ છે. બાકીના પાંચ અકર્તા છે. જીવ, પુદ્ગલ દ્રવ્યો અનિત્ય છે. બાકીનાં ચાર નિત્ય છે. આ છ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ આપણા સ્પષ્ટ અનુભવમાં આવનારાં દ્રવ્યો છે.
3
[ ૪૦૩ ]
કલીક