________________
એ માંસાહારના રવાડે ન ચઢી જાય, એ દારૂ, ચરસ કે કેફી દ્રવ્યોના ચક્કરમાં ભરાઈ ન પડે ને કોઈક અમેરિકનને પરણીને લગ્નજીવનને અસ્થિર ન બનાવી દે એ નહિ જોવાનું ? અહીં તો આ બહુ મોટી સમસ્યા છે. એમાં અમે કંઈક નિમિત્ત બની શકીએ, અહીંના સમાજને આ દૂષણથી બચાવીને સાચા માર્ગે વાળીએ એ ભાવનાથી તે અમે અહીં આવ્યા છીએ.
મેં આમ વાત કરી એટલે પેલા ડૉકટર મને કહે, “મહારાજ સાહેબ, તમે એમ કહો છો કે નવી પેઢીને આમ ના થાય, તેમ ના થાય, ખોટા માર્ગે ચઢી ન જાય તે માટે, અમે આવ્યા છીએ તો મારી આપને બે હાથ જોડીને વિનંતિ છે કે એ કરતાં પહેલાં તમે અમને સજાગ કરજો ને પ્રેરણા આપજો. નવી પેઢીને પ્રેરણા આપતાં પહેલાં માતાપિતાને પ્રેરણા આપવાની બહુ જરૂર છે.”
આમ કહ્યા પછી એમણે એમના પોતાના જીવનનો એક અનુભવ મને કહ્યો. મને કહે, “મહારાજ સાહેબ, હું દાઝેલો છું. મારા પગ નીચે રેલો આવેલો છે અને એટલે જ હું આપને વિનંતિ કરી રહ્યો છું કે અહીંનાં પ્રત્યેક માતાપિતાને કહેજો કે ધંધો ઓછો કરજો, બે પૈસા ઓછા કમાવાય તો ઓછા કમાજો પણ બાળકોની ઉપેક્ષા તો ન જ કરશો. તમારાં બાળકો માટે થોડોક સમય તો જરૂર કાઢજો. એ વાત મહારાજ સાહેબ, અહીંનાં પ્રત્યેક માતાપિતાને ખાસ કહેજો. દરેકે દરેક ગામમાં જ્યાં જ્યાં આપનાં વ્યાખ્યાન થાય ત્યાં ત્યાં આટલું જરૂર કહેજો.”
મને એમની વાત અગત્યની લાગી. મેં પૂછયું, “તમને આવું કેમ લાગ્યું ? તમે આ વાત ઉપર આટલો બધો ભાર કેમ મૂકો છો?”
૪૫