________________
હિંદુ ધર્મ હોય, મુસ્લીમ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય કે જૈન ધર્મ હોય, બધા ધર્મો એક જ કહે છે :
સૌથી પહેલો ઉપકાર જન્મદાતા માતાનો છે. બીજો ઉપકાર પાલક પિતાનો છે. એ માતા અને પિતા તરફ જેના હૃદયમાં શ્રદ્ધા નથી, લાગણી નથી, પ્રેમ નથી એ માણસ ગમે એટલો હોંશિયાર હશે તો પણ પોતાની જીંદગીમાં નિષ્ફળ જવાનો છે.
જેણે પોતાનાં માબાપની આંતરડી કકળાવી એ જીવનમાં કયારેય સુખી થઈ શકવાનો નથી.
મારી જીંદગીમાં એવા સાધુઓ જોયા છે, જેમને માબાપની રજા નહોતી, માબાપની આંતરડી કકળતી હતી, માબાપ રડતાં હતાં છતાં વૈરાગ્યના ખોટા જોશમાં આવી જઈને, માબાપની લાગણીઓને કચડીને સાધુ તો બની ગયા પણ એમનું સાધુજીવન દીપ્યું નહિ.
માતાપિતાના આશીર્વાદ લીધા વિના સાધુ બનેલાને નિષ્ફળ જતા મેં જોયા છે. વરસોનાં વરસ એમનાં માંદગીમાં ગયાં છે, સાધના એક ઠેકાણે રહી ગઈ છે ને શરીર રોગોથી ભરાઈ ગયું છે. પ્રસન્નતા કોરાણે રહી ગઈ છે ને મન સંઘર્ષોમાં સપડાઈ ગયું છે.
મા-બાપની આંતરડી કકળાવીને સધુ થશો તેય ભલીવાર નહિ આવે.
મા-બાપની આંતરડી કકળાવીને ગમે એટલા મોજશોખનાં સાધનો વસાવ્યાં હશે તોય એ તમને શાંતિ નહિ આપી શકે.
આજે તમારી પાસે ભલે લાખો રૂપિયા હોય, પણ યાદ રાખજો, મા-બાપની આશિષ મેળવ્યા વિના શાંતિ મળવાની નથી.
33