________________
આ બધી પૂજાઓ વિવિધ દેશીઓ અને રાગોમાં ઢળાયેલી છે. દહેરાસરોમાં વાજિંત્રોના સથવારે આ પૂજાઓ જયારે સામુદાયિક રીતે વિવિધ લયહિલ્લોળમાં ગવાય છે. ત્યારે ભકિત-ઓચ્છવનો એક વિશિષ્ટ માહોલ સર્જાય છે અને ભાવકોના હૃદયમાં ભકિતભાવની ભરતી ચડે છે.
એમની કેટલીક પૂજાઓના ઉપાડની શબ્દાવલિ અને સૂરાવલિ ઉપરોક્ત વાતની પ્રતીતિ કરાવશે :
રમતી ગમતી હમોને સાહેલી બિહું મળી લિજિયે એક તાળી સખી ! આજ અનોપમ દિવાળી. રૂડો માસ વસંત, ફળી વનરાજિ રે,
રાયણ ને સહકાર વા'લા !
મનડું મોહ્યું રે મન મોહનજી મનમંદિર આવો રે, કહું એક વાતલડી.
વંદના, વંદના, વંદના રે, જિનરાજકુ સદા મોરી વંદના રે ! સિદ્ધાચલ-શિખરે દીવો રે, આદેશ્વર અલબેલો છે. જાણે દર્શન-અમૃત પીવો રે, આદેશ્વર અલબેલો છે.
કેટલીક રચનાઓમાં હિન્દી ભાષાની છાંટ ભેળવીને કવિ એક વિશિષ્ટ લહેજામાં પ્રભુજી પ્રત્યેના ઉલ્લસિત ભકિતભાવનો હૃદયોદ્ગાર કાઢે છે.
સોના-રૂપા કે સોગઠે સાંયા ખેલત બાજી, ઈંદ્રાણી મુખ દેખતે હરિ હોત કે રાજી. સખરેમેં સખરી કૌન જગતકી મોહિની
અખિયનમેં અવિકારા, જિણંદા ! તેરી અખિયનમેં અવિકારા.
આ ઉપરાંત પં વીરવિજયજીએ મોટી સંખ્યામાં સ્તવનો, સજઝાયો, ચૈત્યવંદનો, દુહાઓ, સ્તુતિઓ, ઢાળિયાં, ગફૂલી, હરિયાળી જેવી ભકિતભાવસભર રચનાઓ કરી છે.
મધ્યકાળના અંતિમ સ્તંબકમાં થયેલા એવા ઝળહળતા સાહિત્યસર્જક છે જેમણે પ્રગટાવેલી ભકિતગાનની સૂરાવલિ ચતુર્વિધ સંઘના હૃદયમાં ચિરકાળપર્યંત ગુંજતી રહેશે.
૧૮
- ડૉ. કાન્તિભાઈ બી. શાહ
પ્રોફેસર
ખાનપુર, અમદાવાદ.