________________
શુભ ઘડી શુભ વેળાએ રથ ગતિમાન થયો. ધીમેધીમે ચાલતો રથ વેગવાળો થયો. જયાં સુધી એકબીજાની દ્રષ્ટિપટમાં દેખાયા, ત્યાં સુધી સહુ ઊભા રહ્યા. રથ દેખાતો બંધ થયો ત્યારે રાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સખીઓ રાજમાતાને આશ્વાસન આપતાં, પરિવાર સહિત સહુ પોતાના આવાસે પાછળ ફર્યા.
રથમાં બેઠેલા નવ દંપત્તી અને રત્નસાર મિત્ર સહુ અવનવી વાતો કરતાં વનમાં રહેલા નવા નવા કૌતુકોને જોતાં આગળ વધી રહ્યા છે. હવે તો રથ ઘણા વેગથી ચાલી રહયો છે. આગળ પાછળ રક્ષણ કરતાં સુભટો પણ પોતાના ઘોડા સાથે દોડી રહ્યાં છે. સાથે હાથીઓ આદિ બીજો પણ સૈન્યનો પરિવાર છે.
વિશાળ વનને કાપતાં સાંજ ઢળવા આવી હતી. કયાંક સારા સ્થાનમાં પડાવ નાંખવો વિચારીને આગળ ચાલતા સુભટોએ મનોરમ નામના ઉદ્યાન પાસે આવી ઊભા. વિશાળ જગ્યા, મનોહર બગીચો, ક્લરવ કરતાં પંખીડાં, નિર્મળ જળથી ભરેલુ સરોવર, જોતાં ઘેઘુર મોટા વડલા હેઠે પડાવ નાંખ્યો. તંબુ તણાયાં. રત્નસારે ચિત્રસેનને રહેવા માટે મધ્યમાં સુંદર તંબુ નંખાવ્યો. આજુબાજુ સૈન્યના સુભટોને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ.
શીતળ છાંયડી વડલા હેઠ દંપત્તી આવી વસ્યા. સૌ પોતપોતાના કામમાં પરોવાયાં. સમય થતાં સૌ વેળા થતાં વાળુ પતાવી કામ આટોપી લીધું. દિનભર થાકેલો પરિવાર પોતાના સ્થાનમાં થાક દૂર કરવા સૌ સૂઈ ગયા. સાર્થનું રક્ષણ કરવા પહેરગીરો પોતાની ફરજ બજાવતા પડાવની ચારે બાજુ ફેરી ફરી રહયા છે. અને રક્ષણ કરતાં આંટા મારે છે.
કુમાર-પદ્માવતી પણ સાંજની વેળાનું કાર્ય પતાવી ઈષ્ટદેવનું સ્મરણ કરતાં શ્રીનવકાર મહામંત્ર ગણતાં પોતાના પાલમાં નિરાંતે નિદ્રા દેવીને ખોળે પોઢી ગયાં. મિત્રની રક્ષા કરતો રત્નસાર કુમારના તંબુની આસપાસ પોતે ફરતો સાવધ થઈને આંટા મારી રહ્યો હતો.
મધ્યરાત્રિ થતાં સૌ ભરનિદ્રામાં હતા. તે અવસરે વડલાની ઉપર કોઈ વાત કરતાં હતા તેનો અવાજ રત્નસારના કાને અથડાયો. અવાજ સાંભળતાંની સાથે રત્નસાર પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી સાવધાન થઈ ગયો. આવતાં અવાજોને સાંભળવા માટે બરાબર કાન ત્યાં રાખ્યાં.
આ વડલા-વૃક્ષની ઉપર વ્યંતરદેવ ગૌમુખ અને દેવી ચક્રેશ્વરીનો વાસ હતો. તેઓ હરહંમેશ અહીં જ રહેતાં હતાં. દેવદેવી વાતો કરતાં હતાં, તે અવાજ રત્નસાર સાંભળતાં સાવધ થઈને શું વાત કરે છે, તે સાંભળવા ઉત્સુક બન્યો.
દેવી - હે સ્વામી! આપણા વૃક્ષ નીચે આવી વસેલો આ કુમાર દેશાટન કરી પોતાના પિતા પાસે જાય છે, તો તેના પિતા કુમારને રાજ્ય આપશે કે નહીં?
રત્નસારે આ શબ્દો સાંભળ્યા પોતાના મિત્ર માટે આ શબ્દો વપરાયા હતા. તેથી પૂરો સાવધ થઈને વાત સાંભળવા લાગ્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२४०