________________
તે વેળાએ રાજસુતા પદ્માવતી પોતાની સખીઓ સાથે તે જ જિનમંદિરમાં શ્રી શાંતિનાથ પરમાત્માની પૂજા કરવા આવી. સાગર કાઉસ્સગ્ગ પાળી છેલ્લે ભાવપૂજામાં તલ્લીન બની ભાવના ભાવતો હતો. ત્યાં તેના કાને રંગમંડપમાં શોરબકોર સંભળાયો જે આ પુરુષદ્વેષીણી રાજસુતા પોતાના અંગરક્ષકો પણ સ્ત્રીઓને રાખતી. રાજા પણ પોતાની દીકરીના રક્ષણાર્થે સુભટનરો નારીવેશ પહેરાવીને પાસે રાખતો હતો. વનખંડમાં દર્શનાર્થે આવતાં આ સ્ત્રીવેષધારી અંગરક્ષકો આગળ આવી - ‘ખસી જાવ’ ‘ખસી જાવ’, ‘હટી જાવ’ ‘હટી જાવ’ કરતાં હાથમાં તલવાર લઈને ઘુમતા હતા. મંદિરના પ્રાંગણમાં પ્રવેશીને તે ચોકીદારો મોટા મોટા હોકારા કરીને પુરુષોને ભગાડવા લાગ્યાં. તેઓના અવાજથી જિનમંદિરમાં રહેલા પુરુષો ભય પામી ત્યાંથી નાસવા લાગ્યા. સાગર પરદેશીએ પણ આ વાત જાણી. પણ તે જાય કયાં ? મંદિરમાં એક ખૂણામાં અંધારી કોટડી હતી, તેમાં સંતાઈ ગયો. તેની પત્ની ગુણશ્રી તો મંદિરના રંગમંડપમાં બેસી રહી.
સુતારને રાજસુતા પુરુષદ્વેષી છે તે વાતની જાણ હતી. અંધારી કોટડીના પ્રવેશદ્વારની તિરાડમાંથી રાજકુંવરીને જોવા લાગ્યો. અથાગ રૂપ જોઈને તે વિચારવા લાગ્યો. ‘અહા’ ! આ તે કોઈ દેવકન્યા છે કે કોઈ નાગકન્યા ? વા વિદ્યાધરકન્યા છે ? આ રૂપ મનુષ્ય કન્યાનું મેં કયારેય જોયું નથી. તે કન્યાના રૂપને જોવામાં મુગ્ધ બન્યો. વિધાતાએ શું રૂપ આપ્યું છે ?
રાજકુમારી પદ્માવતી મંદિરમાં આવી, પરમાત્માની ભકિતમાં લીન બની છે. વિધિવત્ પૂજા કરી. ત્યાર પછી સંગીત સાથે અને સાહેલીઓ સાથે પરમાત્માની સામે નૃત્ય શરુ કર્યુ. અપૂર્વભકિત કરતી પદ્માવતીને સાગર, તડમાંથી જોઈને, તેનું રૂપ જોવામાં લીન બન્યો.
વળી, વિચારે છે કે રે વિધાતા ! આટલી સ્વરૂપવાન કન્યામાં પણ તે દુષણ મૂકયું. પુરુષદ્વેષી બનાવી દીધી રે ! તને શું કહેવું ? પુત્ર વિનાનું ઘર, રાજા વિનાની નગરી, દીપક વિનાનું મંદિર, ચંદ્ર વિનાની રાત શોભતી નથી, તેમ પુરુષ વિનાની સ્ત્રી રૂપવાન હોય તો પણ શોભતી નથી. આ મોટું દૂષણ પદ્માવતીમાં રહેલું છે.
કુંવરી પરમાત્માની દ્રવ્યથી ભાવથી બંને પ્રકારે ભકિત કરી રાજપરિવાર સાથે પાછી સ્વસ્થાને જવા નીકળી ગઈ. પણ... પણ... સાગર શ્રાવકના હૈયાને હચમચાવતી ગઈ. ક્ષણવાર પોતે કયાં છે ? તે ભૂલી ગયો. વળી, તિરાડમાંથી બહાર જુએ છે તો ન મળે રાજકન્યા કે ન મળે અંગરક્ષક. કોટડીમાંથી બહાર આવ્યો. પણ તે કન્યાના અદ્ભૂત લાવણ્ય અને અનુપમ તેજ જોવામાંથી સાગર બહાર ન નીકળ્યો. રાજસુતા આંખ આગળથી ખસતી નથી. પત્ની સાથે શેષ યાત્રા કરીને પોતાને ગામ આવ્યો.
હે કુમાર ! તે જિનમંદિર નિર્માણમાં મિસ્ત્રી સાગરનો પણ નંબર લાગ્યો. થાંભલા ઉપરની પૂતળીઓ બનાવવામાં પણ તેનો નંબર લાગ્યો. પોતાની સ્મૃતિપટમાં કંડારેલી તે સ્વરૂપવાન પદ્માવતીને પૂતળીમાં ઊતારી દીધી. આબેહૂબ જ સાક્ષાત્ પદ્માવતી ન હોય તેવી જ પૂતળીમાં રૂપ અને લાવણ્ય પણ ઊતારી દીધું.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૮૫