________________
ને પિતા મારી સન્મુખ જોતા નથી. વળી કેટલા ક્રોધે ભરાયા જણાય છે. કુમારનું મો ઊતરી ગયું. હૈયામાં વજધાત થયો હોય તેમ કુમારને થયું વળી પિતા સામે જોયું. ધમધમી રહેલા પિતા સાક્ષાત્ યમરાજ સમ દેખાવા લાગ્યા. જો વધારે રુઠશે તો હમણાં મારો વિનાશ જ કરી નાખશે. આ વિચાર આવતાં કુમાર આસન પરથી ઊભો થયો. હાથમાં પાનનાં બીડાં લઈ માતાને મહેલે પહોંચ્યો. કુમાર માતા પાસે પહોંચે તે પહેલાં તો આ વાત પટરાણીની પાસે કયારનીય આવી ગઈ હતી. માતાને ચરણે પગે લાગી પૂછયું “હે માતા પિતાજીએ આ પાનનાં ત્રણ બીડાં રાજસભામાં મને આપ્યા. મા! આજે પિતાજીએ સામે પણ જોયું નથી. મને કંઈજ સમજ ન પડી. ત્યાંથી અહીં મા ! મા ! તારી પાસે આવ્યો છું.
ચિત્રસેનની વાત સાંભળી. ત્રણ બીડાંનો મર્મ માતા સમજી ગઈ કે રાજાએ દેશવટો આપી દીધો છે. પુત્રનાં અપલક્ષણોથી પટરાણીને ઘણુંજ દુઃખ થયું. કંઈક સ્વસ્થ થઈ બોલી,
રત્નમાળા રે, દીકરા ! તારા દુચરિત્રોથી પિતા તારી ઉપર ગુસ્સે થયા છે. ત્રણ બીડાં આપી રાજાએ તને દેશવટો આપી દીધો. તારાથી અમારા કુળની લાજ ગઈ. તારા પિતા પાસેથી અહીં આવ્યો. હવે અહીંથી પણ તારે ચાલ્યા જવાનું છે. ત્રણ બીડાં કહે છે, આવતીકાલ સવાર થતાં રાજ્ય છોડી ચાલ્યા જવાનું. રે પુત્ર? તને શું કહું? આટલું કહી રત્નમાળા રડવા લાગી. કુમાર પણ રડી પડ્યો.
વળી સ્વસ્થ થતાં માતા કહેવા લાગી - “કુમાર”!
ચિત્રસેન માતાની સામે જોવા માટે મોં પણ ઊચું કરી શકયો નહીં. નીચી નજરે મા કહે છે તે સાંભળી રહ્યો છે.
રત્નમાળા પણ એક પુત્રની માતા હતી. રાજાએ દેશવટો આપ્યો. પણ “મા” શબ્દમાં જાદુ છે. માતાનો પ્રેમ અવર્ણનીય છે. “મા તે મા બીજા વનવગડાનાં વા' કહેવત આજે સાચી ઠરે છે.
ચિત્રસેનને હવે રાજ્ય છોડી ચાલ્યા જવાનું છે. માતા પુત્રને પોતાની પાસે રાખી શકવાની નથી. અપાર પ્રેમને કારણે પુત્રનો વિયોગ સહન થઈ શકે તેમ નથી. પણ આ તો રાજાની આજ્ઞા.
રત્નમાળાએ જતાં ચિત્રસેનને સંબલરૂપ અમૂલ્ય સાત રત્નો આપતાં કહ્યું, “રે વત્સ! આ રત્નો તારી પાસે રાખ. પરદેશમાં અવસરે કામ આવશે. પુત્ર! રાજકુમાર ! દીકરા ! પ્રભાતે આ નગરમાં રહેતો નહિ. આટલું બોલતાં બોલતાં તો રાણીની આંખે શ્રાવણ ભાદરવો વરસ્યો.
ચિત્રસેને પોતાની સાથે તલવાર અને ઢાલ હાથમાં લઈ, માતાના ચરણે નમસ્કાર કર્યા. રડતી રાણીએ કુમારના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
બેટા ! પરદેશમાં તારું કલ્યાણ થાઓ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૬e