________________
જ્ઞાતાધર્મકથામાં મલ્લિની કથા ચિત્રકળાની વિશેષ સામગ્રી રજૂ કરે છે. મલ્લિની સુવર્ણ પ્રતિમાનું નિર્માણ મૂર્તિકળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્થાપત્ય કળાની પ્રચૂર સામગ્રી રાજા પ્રદેશીની કથામાંથી પ્રાપ્ત થાય છે. રાજ પ્રાસાદના વર્ણનો અને શ્રેષ્ઠીઓના વૈભવના દેશ્યોની રજૂઆત વગેરેમાં પણ પ્રાસાદો અને ક્રીડાગૃહોના સ્થાપત્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ સામગ્રીને એક સ્થળે એકઠી કરીને તેને પ્રાચીન કળાના સંદર્ભમાં મૂલવવી જોઇએ.૪૩ ભૌગોલિક વિવરણ:
પ્રાકૃતની આ કથાઓનો વિસ્તાર માત્ર ભારતમાં જ નહિ, પરંતુ બહારના દેશો સુધી થયો છે. આ કથાઓના કથાકારો સ્વયં સમગ્ર દેશમાં પગપાળા ફરતા રહ્યા છે. તેથી તેઓએ જુદા જુદા જનપદો, નગરો, ગામો, વનો અને જંગલોની પ્રત્યક્ષ જાણકારી મેળવી છે અને તેને પોતાની કથાઓમાં રજૂ કરી છે. કેટલુંક પૌરાણિક ભૂગોળનું પણ વર્ણન છે. પરંતુ વિશેષરૂપે દેશની પ્રાચીન રાજધાનીઓ, પ્રદેશો, જનપદો, નગરો વગેરે સંબંધી વર્ણન છે.
અંગદેશ, કાશી, ઇક્વાકુ, કુણાલ, કુરુ, પાંચાલ, કૌશલ વગેરે જનપદો, અયોધ્યા, ચંપા, વારાણસી, શ્રાવસ્તી, હસ્તિનાપુર, દ્વારિકા, મિથિલા, સાકેત, રાજગૃહ વગેરે નગરોના ઉલ્લેખોને જો બધી કથાઓમાંથી એકઠા કરવામાં આવે તો પ્રાચીન ભારતના નગરો અને નાગરિક જીવન પર નવો જ પ્રકાશ પડી શકે. આધુનિક ભારતના કેટલાક ભૌગોલિક સ્થાનોના ઇતિહાસમાં આનાથી પરિવર્તન આવવાની શકયતા છે. આ દિશામાં કેટલાક વિદ્વાનોએ કાર્ય પણ કર્યું છે. પરંતુ તેમાં આ કથાઓની સામગ્રીનો પણ ઉપયોગ થવો જોઈએ.*
આમ સમગ્ર રીતે વિચાર કરતા આગમકાળની વાર્તાઓનું બંધારણ એટલે વિવિધ વિષયો, પાત્રો, વર્ણનો, ચમત્કારો, આડકથાઓ, પૂર્વજન્મની કથાઓ, રસનિષ્પતિ, ઉપદેશ, કાવ્યતત્ત્વ, કથાનક, રૂઢિઓ અને મોટિક્સ વગેરેનું રસપ્રદ સંયોજન અથવા ગૂંથણી કહી શકાય.
તે ઉપરાંત કથાઓમાં સાંસ્કૃતિક મૂલ્યાંકન, સામાજિક જીવન, રાજ્ય વ્યવસ્થા, ધાર્મિક મતમતાંતર, સ્થાપત્ય અને કળા, ભૌગોલિક વિવરણ વગેરેનું આલેખન થતું જોવા મળે છે.