________________
(૩) બ્રહ્મજિનદાસ:- સકલકીર્તિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ.ના ૧૫માં સૈકાના ઉત્તરાર્ધમાં કેટલીક રાસકૃતિઓની રચના કરી છે. તેઓ ઘણા વિદ્વાન હતા. સંસ્કૃતમાં રામચરિત' નામનો ગ્રંથ તેમણે લખ્યો છે. જેમાં દરેક સર્ગને અને “ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસ વિરચિત” એમ આપ્યું છે. એમની રાસકૃતિઓમાં હરિવંશરાસ, યશોધરરાસ, આદિનાથરાસ, શ્રેણિકરાસ, કરકંડુરાસ, હનુમંતરાસ જેવા કથાને લગતા રાસા ઉપલબ્ધ છે. (૪) વચ્છ ભંડારી - વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના ભક્ત શ્રાવક વચ્છભંડારીએ રચેલી મૃગાંકલેખા રાસ એ કથાને લગતી કૃતિ છે. કદમાં નાની છે. એમાં રચના સાલનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ તે આશરે ઈ.સ.૧૪૮૮ પહેલાંની હોય એમ જણાય છે. આ કૃતિમાં મૃગાંકલેખા સતીનું ચરિત્ર આલેખાયું છે આ દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. કવિ ગૌતમ ગણધરને પ્રણામ કરીને “સીલસિરોમણિ' એવી મૃગાંકલેખાનો વૃતાન્ત પ્રારંભ કરે છે. ઉજજૈની નગરીના અવંતીસેન રાજાના મંત્રી મતિસારની રૂપગુણવતી ધર્મનિષ્ઠા પુત્રી મૃગાંકલેખાના લગ્ન સાગરચંદ્ર નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થાય છે. પણ કોઈક કારણે ગેરસમજ થવાથી તે મૃગાંકલેખાને બોલાવતો નથી અને દેશાવર ચાલ્યો જાય છે. સાતેક વર્ષ એ રીતે વીત્યા પછી ધર્મધ્યાનમાં સમય વિતાવતી મૃગાંકલેખાને સાગરચંદ્ર એકવાર દેવી ગુટિકાની મદદથી રાતોરાત લાંબુ અંતર કાપી ગુપ્તપણે મળવા આવે છે અને પાછો ચાલ્યો જાય છે. પરિણામે સગર્ભા બનેલી મૃગાંકલેખાને અસતી ગણી કાઢી મૂકવામાં આવે છે. વનમાં તે પુત્રને જન્મ આપે છે અને કેટલેક સમયે એનો પુત્ર પણ વનમાં ગુમ થઈ જાય છે. ત્યારપછી એક પછી એક સંકટોમાં આવી પડતા મૃગાંકલેખા એક યા બીજી યુક્તિથી પોતાના શીલને બચાવે છે. અને છેવટે પોતાના સાગરચંદ્ર પતિને અને પુત્રને મેળવે છે અને સુખમાં વર્ષો વિતાવે છે. (૫) લાવણ્ય સમયઃ- કવિ લાવણ્ય સમય ઈ.સ.પંદરમા સૈકાના એક સમર્થ કવિ થઈ ગયા. લાવણ્યસમયનો જન્મ ઇ.સ.૧૪૬૫માં અમદાવાદમાં અજદરપુરામાં થયો હતો. એમના પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ ઝમકલદેવી હતું. એ સમયે એમનું નામ લહુરાજ પાડવામાં આવ્યું હતું. ઉપાશ્રયમાં મુનિ સમયરત્ન બિરાજમાન હતા. જન્માક્ષર જોઈ સમયરને કહ્યું, આ બાળક મહાન તપસ્વી, મહાવિદ્વાન અને બહુ તીર્થયાત્રા કરનારો થશે. મુનિ સમયરત્નના કહેવાથી માતા-પિતાએ લહુરાજને નવમે વર્ષે દીક્ષા આપવાનું નક્કી કર્યું અને દીક્ષા પછી તેમનું નામ “લાવણ્યસમય” રાખવામાં આવ્યું. સોળમે વર્ષે તો લાવણ્યસમય કવિતાની રચના કરવા લાગ્યા હતા. તેમણે રાસ, પ્રબંધ, ચોપાઈ, સંવાદ, વિવાહલો, સ્તવન, સક્ઝાય, છંદ, હમચડી, હરિયાળી વિનંતી ઇત્યાદિ પ્રકારની ૪ર જેટલી નાની મોટી કૃતિઓની રચના કરી છે.
469