________________
૧. પહેલા સર્ગમાં શ્રીૠષભદેવજીના પ્રથમના ૧૨ ભવોનું વર્ણન આપેલ છે. તેમાં ખાસ ધ્યાન આપવા લાયક શ્રી ધર્મઘોષસૂરિની દેશના છે. જેમાં દાનશીલાદિ ચારે પ્રકારના ધર્મોનું વર્ણન આપેલ છે. ત્યારપછી મહાબલ રાજાની સભામાં મંત્રીઓનો ધાર્મિક સંવાદ લક્ષપૂર્વક વાંચવા લાયક છે. તેમાં ખાસ નાસ્તિક મતનું મંડન ને ખંડન ધ્યાન આપવા યોગ્ય છે. ત્યારપછી મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિઓનું તથા વીશ સ્થાનકોનું વર્ણન છે.
૨. બીજા સર્ગમાં કુલકરોત્પત્તિ અને શ્રીૠષભદેવ ભગવંતના જન્મથી દીક્ષા લેવાની ઇચ્છા થવા સુધી હકીકત આપેલી છે. તેમાં પ્રારંભમાં આપેલી પહેલા કુલકર વિમળવાહનના પૂર્વભવની-સાગરચંદ્રની કથા વાંચવા લાયક છે. તેમાં દુર્જન કેવી દુર્જનતા કરે છે અને સતી કેવી સહનશીલતા વાપરે છે તેનો આબેહૂબ ચિતાર છે. ભગવંતનો દેવદેવીકૃત જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલો છે. અને પ્રભુના તથા સુનંદાના રૂપનું વર્ણન પણ વિસ્તારથી કરેલું છે. ભગવંતનો દેવકૃત વિવાહ મહોત્સવ વાંચવા લાયક છે. અને છેવટે આપેલું વસંતૠતુનું વર્ણન કર્તાની વિદ્વાન તરીકેની ખૂબી બતાવી આપવા માટે પૂરતું છે.
૩. ત્રીજા સર્ગમાં પ્રભુનો દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન અને દેશનાનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં ઇંદ્રકૃત દીક્ષા મહોત્સવનું તથા કેવળજ્ઞાન પામ્યા બાદ ચાર નિકાયના દેવોએ મળીને કરેલા સમવસરણનું વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ત્યારબાદ ભગવંતની દેશના આપેલી છે. જેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યા વાંચવા યોગ્ય છે.
૪. ચોથા સર્ગમાં ભરતચક્રીએ કરેલા દિગ્વિજયનું વર્ણન સમાવેલું છે. ભરતચક્રીએ પોતાના ૯૮ ભાઇઓને બોલાવેલા પણ તેઓ તેની પાસે ન જતાં પ્રભુ પાસે ગયા અને પ્રભુએ જે ઉપદેશ આપ્યો તે ખરેખર હૃદયદ્રાવક અને વૈરાગ્ય પમાડે તેવો છે.
૫. પાંચમા સર્ગમાં બાહુબલિ સાથેના વિગ્રહનું વર્ણન છે. રણસંગ્રામની વિધિનું આમાં ખાસ અનુભવ આપે તેવું આલેખન છે. યુધ્ધ અટકાવનાર દેવો સાથે ભરતબાહુબલિને થયેલ ઉત્તર પ્રત્યુત્તર ખાસ ધ્યાન ખેંચનારા છે.
૬. છઠ્ઠા સર્ગમાં ભગવંતના કેવળીપણાના વિહારનું વર્ણન છે. આ ઉપરાંત ભગવંતના તથા ભરતચક્રવર્તીના નિર્વાણનું વર્ણન, અષ્ટાપદનું વર્ણન ખૂબ જ સુંદર રીતે અલંકૃત કર્યા છે.
ત્રેસઠ શલાકા પુરુષનાં નામ, માતા, પિતા આદિ અનેક બાબતો આ સર્ગમાં ભગવાનની દેશનામાં સમાવેલ છે. આવી અનેક બાબતો વાંચવા યોગ્ય છે.
213