________________
કથાવસ્તુ:- ભરતક્ષેત્રમાં આમ્લકંપા નામની સમૃધ્ધ નગરી છે. ત્યાંની પ્રજા સુખરૂપ જીવી રહી હતી. ત્યાંના શ્વેતરાજા અને ધારિણીદેવી શુભ લક્ષણવંતા અને વિશુધ્ધ હતા.
તે નગરીના અંબસાલ વનમાં શ્રમણભગવાન શ્રી મહાવીર પધાર્યા. આ સમયે ઊર્ધ્વલોકમાં સૌધર્મ દેવલોકમાં સૂર્યાભદેવ ઉત્પન્ન થયા જે પ્રભુની દેશના સાંભળવા આવે છે. દેશના પૂર્ણ થતાં સૂર્યાભદેવે પ્રભુને પ્રશ્ન પૂછયો,‘“હે પ્રભુ! હું ભવસિધ્ધ છું કે અભવસિધ્ધ, હું સમ્યક્દૅષ્ટિ છું કે મિથ્યાદ્દષ્ટિ?’’
ભગવાને જવાબ આપ્યો, હે દેવાનુપ્રિય! તમે ભવી સભ્યષ્ટિ છો. ત્યારબાદ સૂર્યાભદેવે ૩૨ નાટક બતાવ્યા. છેલ્લું નાટક પ્રભુ મહાવીરના જીવન પ્રસંગોનું હતું.
ગૌતમગણધરે પ્રભુને પૂછ્યું, ભગવાન સૂર્યાભદેવે આગલા ભવોમાં એવુ શું કર્યું હતું કે જેથી તેને આવી રિધ્ધિ-સિધ્ધિ મળી?
અહીં પ્રભુએ સૂર્યાભદેવના આગલા ભવની પ્રદેશીરાજાના ભવની વાત કરી.
કૈકયાર્ધ દેશની શ્વેતાંબિકા નગરીનો રાજા પ્રદેશી હતો. તે નાસ્તિક અને હિંસક હતો. તેનો એક ચિત્તસારથિ નામનો કલ્યાણ મિત્ર હતો. એકવાર ચિત્તસારથિ શ્રાવસ્તી નગરીમાં ગયા ત્યાં કેશી શ્રમણ પધાર્યા હતા. ચિત્તસારથિ તેમની દેશના સાંભળવા પહોંચી ગયા અને સાંભળી વ્રતધારી શ્રાવક બન્યા. પ્રભુ મહાવીરને પોતાની નગરીમાં પધારવા વિનંતી કરી. પ્રભુ મહાવીર આમ્લકંપા નગરીમાં પધાર્યા. ચિત્તસારથિ પ્રદેશી રાજાને લઇ પ્રભુ પાસે જાય છે. ત્યારે કેશીશ્રમણે દેહ અને આત્મા જુદા છે એ બાબત પર સમજાવે છે. ત્યારે પ્રદેશીરાજા અનેક પ્રશ્નો પૂછે છે. કેશીશ્રમણે બધા પ્રશ્નોના ઉત્તર ઉદાહરણાર્થે આપ્યા. તેમનો ઉપદેશ સાંભળી પ્રદેશી રાજા બાર વ્રતધારી શ્રાવક બન્યો. તે સર્વભાવથી ઉદાસીન રહેવા લાગ્યો. આ વર્તન રાણી સૂર્યકાંતાથી સહન ન થયું. તેણે ભોજન, વસ્ત્ર, આભુષણો અને સૂંઘવાના પદાર્થોમાં ઝેર ભેળવી દીધું. આ ઝેર રાજાના આંતરડામાં પ્રસરી ગયું. રાજાએ અનશન કરી સંથારો લીધો. તે સર્વજીવ પ્રત્યે દયા રાખી મૃત્યુ પામ્યા.
ત્યારબાદ તે સૂર્યાભ નામના દેવવિવમાનમાં સૂર્યાભદેવ રૂપે જન્મ્યા. ત્યારબાદ મહાવિદેહક્ષેત્રમાં દ્દઢ પ્રતિજ્ઞરૂપે અવતરશે. સંયમ લઇ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામશે. જ્યારે સૂર્યકાંતા દુર્ગતિમાં જાય છે.
107