________________
સાગર શેઠ ઢાલ-૫૯ નવઈ નંદ તે ક્યપી હુઆ, મુમણ શેઠિ ધન મેલી મુંઆ /
સાગર સેઠ સાગર માહા ગયો, જે જગી સબલો લોભી થયું //૬૩ // ઉપરોક્ત કડીમાં કવિએ પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતના અંતર્ગત અતિ તૃષ્ણા પાપનું મૂળ છે. આ વાતનું આલેખન “શ્રી ત્રિષષ્ટીશલાકા પુરુષ ચરિત્ર'માં આપેલ સાગરશેઠના કથાનકને આધારે કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પદ્મપુર નામના નગરમાં ધનાઢ્ય સાગર નામના શેઠ હતા. એ એવા કૃપણ કે એઠે હાથે કાગડાને પણ ઉડાડે નહિ. તે એમ જાણે કે જે ઉચ્છિષ્ટ હાથે કાગડાને ઉડાડીશ તો મારા હાથમાં લાગેલા અન્નનું એઠું કાગડાને મળશે. તેને સુશીલ ગુણવંતી નામની સ્ત્રી હતી. તેના ચાર પુત્રો હતા. તે યૌવના સ્થાને આવ્યા ત્યારે પિતાએ તેમને પરણાવ્યા. તે ચારે પુત્રો પોત પોતાની સ્ત્રીઓ સાથે આનંદથી રહેતા હતા. કાળક્રમે શેઠની પત્ની મરણ પામ્યા અને શેઠ એકલા થઈ ગયા. એક દિવસ તે સાગર શ્રેષ્ઠીના ચારે પુત્રો પિતાના આદેશથી વેપાર માટે દેશાંતરે ગયા. પાછળથી સાગર શેઠને પુત્રવધૂઓ ઉપર વિશ્વાસ ન આવવાથી પોતે ઘર આગળ ખાટલો ઢાળી હાથમાં લાકડી લઈને બેસે. એક દિવસ તે સાગર શ્રેષ્ઠીને રાજાએ રત્નોની પરીક્ષા કરવા માટે બોલાવ્યો. તેવામાં ફરતો ફરતો કોઈ યોગી તેમને ઘેર આવ્યો. તેને પુત્રવધૂઓએ ભક્તિભાવથી જમાડ્યો. ત્યારે યોગીએ સંતુષ્ટ થઈ તે સ્ત્રીઓને એક મંત્ર આપ્યો અને કહ્યું કે, “તમે કોઈ પણ લાકડા ઉપર બેસીને આ મારો આપેલો મંત્ર ભણી તે લાકડા ઉપર અડદના દાણા છાંટીને, પછી તમારે જ્યાં જવું હોય તે સ્થળનું નામ લઈને કહેજો કે અમને તું આ સ્થાને પહોંચાડ. તો એ લાકડું જ્યાં
જ્યાં ઈચ્છશો ત્યાં પહોંચાડશે.” આમ મંત્રનો સર્વ પ્રભાવ કહીને તે યોગી ગયો. પછી ચારે સ્ત્રીઓએ મળીને એક મોટું લાકડું ઘરમાં લઈ રાખ્યું. પણ તે વાતની સાગરશ્રેષ્ઠીને ખબર પડવા દીધી નહિ.
સાગર શ્રેષ્ઠીની પગચંપી કરવા માટે એક હજામ નિરંતર આવે. એક દિવસ મોડું થવાથી તે ગુપચુપ રોકાઈ ગયો. શેઠ હજામ ગયો એ જાણીને ઘરના દરવાજા બંધ કરીને સૂઈ ગયા. તે જ્યારે ઘોર નિદ્રામાં આવ્યા ત્યારે ચારે વહુઓ આવી અને લાકડા ઉપર બેસીને મંત્રના જોરે રત્નદ્વીપમાં પોતાના મનોરથ પૂર્ણ કરી પાછલી રાતે પાછી ઘરે આવી ગઈ. આ બધું હજામે જોયું. આથી બીજે દિવસે પણ હજામ પલંગ નીચે છુપાઈને રાત પડવાની રાહ જોવા લાગ્યો. બીજી રાતે પણ ચારે વહુઓ આવી અને મંત્ર ભણીને લાકડા ઉપર બેઠી. ત્યારે હજામ પણ ખબર ન પડે તેમ લાકડાની પોલાણમાં બેસી ગયો. તેઓ બધા રત્નદ્વીપ આવ્યા. સ્ત્રીઓએ પોતાના મનોરથો પૂરા કર્યા અને હજામ પણ પોલાણમાંથી નીકળીને રત્નદ્વીપમાંથી ઘણાં અમૂલ્ય રત્નો લઈ પાછો લાકડામાં બેઠો અને સ્ત્રીઓ સાથે ઘેર આવ્યો. આમ તે રત્ન થકી હજામ ધનવાન થઈ ગયો.
થોડા દિવસ પછી સાગર શેઠે હજામને બોલાવીને પૂછ્યું કે, “તું હમણાં પગચંપી કરવા કેમ આવતો નથી?” ત્યારે હજામે થોડીવાર તો આડી અવળી વાતો કરી ગલ્લા તલ્લા કર્યા. પણ આખરે તો તે હજામ હતો, તેના પેટમાં વાત ટકી નહિ અને અમૂલ્ય રત્ન બતાવીને પૂરી હકીકત બતાવી.