________________
(ઘ) અન્ય દર્શનોમાં વ્રત જૈનદર્શનમાં તો વ્રતનું મહત્ત્વ છે જ પરંતુ અન્ય દર્શન જેમ કે બૌદ્ધદર્શન, યોગદર્શન, વૈદિક પરંપરા વગેરેમાં પણ વ્રતની મહત્તા દર્શાવેલ છે. તે નીચે પ્રમાણે છે. બૌદ્ધ દર્શનમાં વ્રત
જૈન દર્શનમાં જેને વ્રત કહ્યાં છે તેને બૌધ્ધદર્શનમાં ‘શીલકહ્યાં છે. ભગવાન બુદ્ધે પાંચ અણુવ્રતોના સ્થાન પર પાંચ શીલોનું પ્રતિપાદન કર્યું છે. અંતર ફક્ત એ છે કે, ભગવાન બુદ્ધનું પાંચમું શીલ મદ્ય નિષેધ છે, ત્યારે જૈનદર્શનમાં પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ છે. તેમ જ મધ નિષેધને સાતમા “ઉપભોગ-પરિભોગ' નામના અણુવ્રતના અંતર્ગતમાં જ માનવામાં આવે છે.
જૈનદર્શન સમ્મત ગૃહસ્થ ધર્મના બાર વ્રતોના સ્થાન પર બૌદ્ધદર્શનમાં આઠ શીલ અને ભિક્ષુ સંઘ-સંવિભાગની ધારણા મળે છે તે આ પ્રમાણે છે, ૧) હિંસા પરિત્યાગ, ૨) ચોરી પરિત્યાગ, ૩) અબ્રહ્મચર્ય પરિત્યાગ, ૪) અસત્ય પરિત્યાગ, ૫) મદ્યપાન પરિત્યાગ, ૬) રાત્રિ તેમ જ વિકલ ભોજન પરિત્યાગ, ) માલ્યગંધધારણ પરિત્યાગ, ૮) ઉચ્ચ શય્યા પરિત્યાગ અને ૯) ભિક્ષુ સંઘ સંવિભાગ છે.
જૈન પરંપરામાં બીજું વ્રત મૃષાવાદ છે, તે બૌદ્ધદર્શનમાં ચતુર્થ વ્રતના રૂપમાં દર્શાવ્યું છે. તેવી જ રીતે બૌદ્ધદર્શનના દશ ભિક્ષુ શીલ માનવામાં આવ્યા છે, જેની જૈનદર્શનમાં પાંચ મહાવ્રતોની સાથે સામ્યતા છે. તે દશ શીલ આ પ્રકારે છે. જેમ કે, ૧) પ્રાણાતિપાત વિરમણ, ૨) અદત્તાદાન વિરમણ, ૩) અબ્રહ્મચર્ય વિરમણ, ૪) મૃષાવાદ વિરમણ, ૫) સુરામેય મઘ વિરમણ, ૬) વિકાલ ભોજન વિરમણ, ૭) નૃત્યગીત વાદિત્ર વિરમણ, ૮) માલ્યધારણ ગંધ વિલેપન વિરમણ. ૯) ઉચ્ચ શય્યા, મહાશય્યા વિરમણ, ૧૦) જાતરૂપ રજત ગ્રહણ વિરમણ.
તુલનાત્મક દષ્ટિથી જોઈએ તો આમાંથી છ શીલ પંચમહાવ્રત અને રાત્રિભોજન પરિત્યાગના રૂપમાં જૈનદર્શનમાં પણ સ્વીકૃત છે. શેષ ચાર ભિક્ષુ શીલ પણ સ્વીકૃત છે, જો કે મહાવ્રતનાં રૂપમાં તેનો ઉલ્લેખ નથી.
જૈનદર્શનમાં મહાવ્રતો અને બૌદ્ધદર્શનના ભિક્ષુ શીલોમાં ન ફક્ત શબ્દોની સમાનતા છે પરંતુ બન્નેમાં ભાવના પણ સમાન છે. જૈનોની જેમ બૌદ્ધ વિચારકોએ પણ આ સંબંધમાં ઊંડાણથી વિવેચન કર્યું છે. તેમ છતાં તથાગત બુદ્ધ ભિક્ષુ અને ઉપાસકોને માટે મુખ્ય રૂપથી પાંચ શીલનું જ પ્રતિપાદન કર્યું છે. જે નીચે પ્રમાણે છે, (૧) પ્રાણાતિપાત વિરમણ – બૌદ્ધધર્મમાં પણ ભિક્ષને માટે હિંસા વર્જિત છે. બૌદ્ધ પરંપરામાં
પણ મન, વચન, કાય અને કૃત, કારિત તથા અનુમોદિત હિંસાનું નિષેધ છે. (૨) અદત્તાદાન વિરમણ – બૌદ્ધ પરંપરામાં પણ ભિક્ષુને કોઈ પણ વસ્તુ સ્વામીના/માલિકના
આપ્યા સિવાય ગ્રહણ કરવી નહિ. કેવળ નગરમાં જ નહિ પરંતુ જંગલમાં પણ વગર આપેલી વસ્તુ લેવી નહિ. “સંયુતનિકાય'માં કહ્યું છે કે, જો ભિક્ષુ ફૂલને ચૂંઘે છે, તો પણ તે ચોરી છે.