________________
અને બન્ને હાથના હલનચલન વડે નર્તન કરાવામાં આવે છે, ગોપી સ્ત્રીઓમાં જેમ કૃષ્ણ હોય છે તેમ આમાં પણ એક નેતા હોય છે.
આમ ઉપરોક્ત કથનો વડે કહી શકાય કે, ‘રાસક' અને ‘હલ્લીસક’ બન્ને એક જ હોવા
જોઈએ.
પંદરમી સદીમાં ભરતકોષમાં કુંભકર્ણ ‘રાસક'નો એક પ્રકાર ‘દંડ રાસક'નું સ્વરૂપ આલેખતાં કહે છે કે, ૮, ૧૬, ૩૨ કે ૬૪ સુંદરીઓ જેના હાથમાં ગોળ સુંવાળા સોનાના લંબાઈમાં એક હાથ, અંગુઠા જેટલા જાડા દાંડિયા રહેતા. તેમાં જોડી સાથે કે છૂટા પડી આગળ પાછળ થવાની ક્રિયા થતી. આ લયયુક્ત, તાલયુક્ત નૃત્યની સાથે પાર્શ્વસંગીત રહેતું. ચારી, ભમરી વગેરે ઘાતભેદ રચતાં, ઉરુ, જંધા અને બંને પગના વિવિધ મંડળ રચવામાં આવતા. રાજાની સમક્ષ થતાં આ નૃત્યમાં દેશાનુસાર દંડ ચામર, મલમલયુક્ત દંડ કે છૂરિકા દંડ પણ રાખવામાં આવતા.
સોળમા સૈકાના અંતમાં થયેલા પંડિત પુણ્ડરીક વિઠ્ઠલ ‘નૃત્યનિર્ણય’ નામના તેમના અપ્રકટ ગ્રંથમાં ‘દંડ રાસ’ અને ‘રાસ નૃત્ય’ વિષે કહે છે કે, લોકોને આનંદ આપે તેવું વારંવાર મંડળાકારમાં ગોઠવાઈ ગીત, તાલ, લયથી યુક્ત નૃત્યને વિદ્વાનો ‘દંડ રાસ’ કહે છે. દંડ વિનાનું આવું નૃત્ય તે ‘રાસ નૃત્ય’.૧૨
‘રાસ સર્વસ્વ’માં લખે છે તે પ્રમાણે ક્રમમાં હાથ પકડીને ઊભેલાં સ્ત્રી અને પુરુષો વડે મંડળાકારમાં નૃત્ય કરવામાં આવે છે તેને ‘રાસ’ કહે છે.
આમ સંસ્કૃત, પ્રાકૃત કે પૌરાણિક સાહિત્યમાં રાસ/રાસક નામનો જે સાહિત્ય પ્રકાર જાણીતો થયેલો જોવા મળે છે, તે દાંડિયા નૃત્યનો પ્રકાર હશે, એમ સમજી શકાય છે. રાસક/ઉપરૂપક
નૃત્યપ્રકારમાં પરિણત થયેલો આ ‘રાસ’ કે ‘રાસક' એક ઉપરૂપક વિશેષ જણાય છે.
ડૉ. વિજયરાય જણાવે છે કે, રાસાઓ લાક્ષાણિક રીતે જૈન સાહિત્યનો પ્રકાર છે. અને તેનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યના ‘છંદોનુશાસન’માં મળે છે. પરંતુ આ રાસાઓ ઉપરૂપકોના એક પ્રકાર ‘રાસક'માંથી ઊતરી આવ્યા હશે એમ કહી શકાય. વાગભટ્ટ ‘કાવ્યાનુશાસન'માં રાસ કે રાસકને એક ઉપરૂપક વિશેષ જણાવે છે. જેમ કે,
'डोंम्बिका भाण प्रस्थान भाणिकाशिङ्गक रामाक्रीड हल्लीसक श्रीगदित रासक गोष्ठीप्रमृतानि गेयानि ।' હેમચંદ્રાચાર્ય પણ ડોમ્બિકા, ભાણ પ્રસ્થાન વગેરે સાથે ‘રાસક’ને ‘રાગકાવ્ય’ તરીકે ઓળખાવે છે. તેની વ્યાખ્યાનો સાર આ પ્રમાણે છે, અનેક નર્તકીઓ દ્વારા યોજાતો, વિવિધ તાલ અને લયથી યુક્ત તેમ જ ૬૪ યુગલો દ્વારા કોમળ અને જુસ્સાવાળો બને છે.૧૩
શ્રી કે. કા. શાસ્ત્રી જણાવે છે કે, નૃત્યપ્રકારમાં પરિણત થયેલો આ ‘રાસ’ કે ‘રાસક’ એક ઉપરૂપક – વિશેષ જણાય છે. વાગભટ્ટે ‘કાવ્યનુશાસન'માં (પૃ. ૧૮૦) અને એને અનુસરી આચાર્ય હેમચંદ્રે પણ પોતાના ‘કાવ્યાનુશાસન’માં (પૃ. ૪૪૫-૪૪૬) ગેય રૂપકો બતાવ્યાં છે. તેમાં ‘રાસક’ આવે છે. રાસક નામક આ ગેયરૂપકમાં ૬૪ સુધીના યુગલ નૃત્યમાં ભાગ લઈ શકતા. જેમ કે,
૨૧