________________
રૂપવતી ગુણવતી આદિ ગુણોથી શોભતી હતી. એકદા આ દંપતી વનક્રીડા કરવા પિરવાર સુભટો આદિ સાથે લઈને જંગલમાં જાય છે. જંગલમાં મુનિભગવંત ધ્યાનમાં હતા. રાજાએ પ્રણામ કર્યા. પછી રાણીને કહે છે હે દેવી! આ મુનિભગવંત કેવા રૂડા છે. યતિમાં શિરદાર છે. પોતાની આત્મસાધના કરતાં ધ્યાનમાં કેવા લીન બન્યા છે. રાજા મુનિભગવંતોના ગુણોમાં રક્ત બની ગુણગાન ગાઈ રહ્યા છે. રાણી રાજાની વાત એકચિત્તથી સાંભળે છે. ત્યારબાદ રાણી કહેવા લાગી - હા સ્વામીનાથ! આપની વાત સાચી છે. પ્રસન્નતા મુખ ઉપર કેવી દીસે છે! ધ્યાનમાં મગ્ન છે. પણ છતાં તમે કહો તો આ મુનિ ભગવંતને ધ્યાનમાંથી વિચલિત કરી દઉં. રાણી રાજા પાસેથી ઊઠીને મુનિભગવંત પાસે પહોંચી ગઈ. ધ્યાનમાંથી ચલાયમાન કરવા આવી છે. મુનિ પાસે હાસ્ય વિનોદ કરવા લાગી, ટીખળ કરવા લાગી. મશ્કરી કરતાં આગળ વધીને મુનિનો ઓઘો અને મહુપતિ પણ ખેંચી લીધાં. અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી. પણ મુનિ ચલાયમાન નહિ થયા તેથી પ્રતિકૂળ ઉપસર્ગ કરવા લાગી. મુનિને સંતાપવા લાગી. છતાં મુનિ ચલિત ન થયા. ધ્યાનમાં વધુ સ્થિર બન્યા. એક પણ ઉપાય રાણીનો મુનિને ચલાયમાન કરવામાં સફળ ન બન્યો. રાણીએ બાર ઘડી સુધી મુનિને સંતાપ્યા, છતાં મુનિ સ્થિરતાપૂર્વક ધ્યાનમાં છે. રાણી હારી-થાકી. રાજા કહે તારા આવા પ્રકારના ચાળા તને પાપો બંધાવશે. દેવી! સમજ રાજા રાણીને પાછી વારે છે. હે દેવી આ મુનિભગવંત ધર્મની આરાધનામાં રૂડા તેજસ્વી છે, હાંસી મશ્કરી કરવી ઘટતી નથી. રાજા વારંવાર પોતાની રાણીને મુનિને ઉપસર્ગ કરતી વારે છે. થાકેલી રાણી મુનિને સંતાપવાનું છોડી દઈને રાજા પાસે આવીને બેઠી. ત્યાર પછી થોડી વારમાં મુનિનું ધ્યાન પૂર્ણ થયું. મુનિ બંનેને ઉદ્દેશીની કહેવા લાગ્યા. રાણીએ સંતાપ્યા છતાં તેના પ્રત્યે દ્વેષ નથી. રાજા પ્રત્યે રાગ નથી. સમભાવમાં રમતાં મુનિ પરમ કરુણાવંત હતા. બંનેને ઓળખી લીધા. રાજા રાણી છે તે રીતે નહિ. પણ નજીકના ભવમાં મોક્ષગામી છે. ભાવિ જોઈ લીધું.
અમૃતધારા જેવા મુખમાંથી વચનો નીકળ્યા. હે રાજન! દાન-શીલ-તપ અને ભાવ. આ ધર્મના પાયા છે. સુપાત્રે દાન દઈને દાનધર્મ કરો. નિર્મળ અને પવિત્ર એવા શિયળવ્રતનું પાલન કરો. યથાશક્તિએ તપ ધર્મના આરાધના કરવા જોઈએ. સર્વ આરાધના ભાવપૂર્વક કરવાથી પ્રાણીઓ શુભફળ રૂપ સિદ્ધિને મેળવે છે. પોતાને બાર ઘડી સુધી આ રાણીએ સંતાપ્યો.
180 * જૈન રાસ વિમર્શ