________________
છે. પ્રસ્તાવના હૈ
પ્રભુ મહાવીર દેવે કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી પોતાની પર્ષદામાં વિરતિધર્મની દેશના દ્વારા જીવને આત્મસત્તાનું ભાન કરાવ્યું છે. આત્મા સંસારના રાગે હંમેશા અશાશ્વત સુખ તરફ દોડતો રહ્યો છતાંય સુખનો સ્વાદ ન મળ્યો, આગળ વધીને મિથ્યાભાવોથી પ્રેમ કરી સુખાભાસની ભ્રમણામાં રહ્યો. જ્ઞાનીઓ કહે છે કે સાચું સુખ આત્મોન્નતિમાં છે. કષાયોની ચુંગાલમાંથી મુક્તિના ક્રમની ઉન્નતિ સંભવે છે. આત્મદષ્ટિ જ જગતમાં સત્યદર્શન કરાવી શકે છે અને સત્યદર્શન જ સમ્યગ્દર્શન તરફનું પગમંડાણ કરે છે. પ્રભુની નિર્મળ દેશનાનો સૂર આત્માના ભાવોને જગાડવાનો તથા ધર્મપ્રાપ્તિ કરાવવાનો રહ્યો છે. આવી અમૃતમય વાણીનો ધોધ ગણધર ભગવંતો અને મૃતધરો, પૂર્વધરોએ ક્ષયોપશમ અનુસાર સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા દ્વારા પ્રવાહિત રાખ્યો. મહાપુરુષોએ ભવ્ય જીવોના કલ્યાણ માટે આ જ સત્ય માર્ગને પ્રવાહિત કર્યો, અનંત આત્માઓ શુદ્ધ ધર્મની આરાધના કરી અને સિદ્ધિની પ્રાપ્તિ કરી સ્વાવલંબી બની શ્રેયકર પથના પથિક બન્યા. આપના હાથમાં રહેલું, “ચતુર્થ સ્તુતિ નિર્ણય શંકોદ્ધાર અને ચતુર્થ સ્તુતિ નિર્ણય છેદન કુઠાર” નામનું પુસ્તક અતિ અમુલ્ય આત્મભાવનો ખજાનો છે જેમાં સંસારી લાલસાઓ છોડી મુક્તિ તરફી આરાધનામાં કેમ વધવું ? વ્રતધારીથી દેવાધિદેવની જ વંદના થાય રંગ રાગમાં અમૂક દેવી-દેવતાના વંદન શા માટે ? એનાથી ભૌતિક માંગણી શા માટે ? શું મેળવવા માટે ? દેવ-દેવી વ્રતધર નથી તો કર્મક્ષય કરાવનાર પણ નથી. આવી અનેક અદ્ભુત સત્ય વાતોનું દર્શન અત્રે ઉપસ્થિત છે. અરિહંત અતિશય અને ગુણોથી બધાને પુજનીય છે. પરંતુ અન્ય ધર્મી કે દ્વેષી પ્રભુને ન માને તો અરિહંતપણું ચાલ્યું જતું નથી. તેમ કદાચ આ પુસ્તકના આધારે કોઈ દ્વેષ કરે કે વિરોધ કરે તો આ ગ્રંથની સત્યતાને આંચ આવવાની નથી. કારણ દુનિયાની દરેક ગણિતની ભાષામાં એક-બે-ત્રણ છે જ તો તેમાં ત્રણ તો આવે જ. જે સ્પષ્ટ છે તેને ખોટું કરવાની કે કરવાનું સાહસ દુઃસાહસ ગણાશે. વિશેષ સુગ્ન લોકોએ વિચારવું.
વિજયવાડા
પૂ.આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.
“મધુકર”