________________
૧૮૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
ત્રણ તથા ચાર થોયનો નિષેધ કરીને, તમે જ તમારા મુખથી દહીંને બદલે કપાસભક્ષણ કરીને જિનવચનની તથા પૂર્વાચાર્યોના સ્યાદ્વાદવચનરૂપી અમૃતપાન કરવાવાળા પુરુષોની નિંદા કરીને ત્રણ થોયનો નિષેધ કરવો તમને ઉચિત નથી. કેમ કે જિનગૃહમાં, પ્રતિક્રમણના આદિ-અંતમાં તથા પૂજાદિ વિશિષ્ટ કારણે તપાગચ્છ તથા અન્ય ગચ્છના પૂર્વાચાર્ય મહાભાષ્યોક્ત સિદ્ધાંતભાષાએ ત્રણ થોયથી તથા સંધાચારવૃન્ત્યાદિયુક્ત સંકેતભાષાએ ચાર થોયથી ઉત્કૃષ્ટવંદના કરતાં આવ્યા છે, કરે છે અને ક૨શે, પણ હે સૌમ્ય ! તમે ઢુંઢકપરંપરાથી નીકળીને, યથાર્થ ગુરુકુળવાસની સેવાપૂર્વક સિદ્ધાંતોના રહસ્ય ધાર્યા વિના, થોડા ઘણા ગ્રંથો વાંચીને, વિદ્વાનપણાનું અભિમાન ધારણ કરીને, જૈનશાસ્ત્રોના યથાર્થ બોધ વિના, જેમ-તેમ ઉત્સૂત્રભાષણ કરીને લોકોમાં ક્ષણભંગુર કીર્તિ મેળવી રહ્યા છો, પણ તે ક્ષણભંગુર કીર્તિ ક્ષણવાર જ ટકી શકે છે.
તથા વળી ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૨૧ પર લખો છો કે “કલ્પભાષ્યમાં ચૈત્યપરિપાટીમાં પૂર્વોક્ત નવભેદમાંથી છઠ્ઠા ભેદની ચૈત્યવંદના ત્રણ થોયથી કરવી કહી છે, પરંતુ પ્રતિક્રમણના આદિ-અંતમાં ત્રણ થોયથી ચૈત્યવંદના કોઈ પણ જિનશાસ્ત્રમાં કહી નથી.’’ આવું લખવાથી તમે જિનશાસનમાં અજ્ઞાની છો એવું સૂચન થાય છે. કેમ કે વૃત્તિકા૨ે પૂર્વોક્ત શ્રી પંચાશકની વૃત્તિમાં કલ્પભાષ્ય તથા વ્યવહારભાષ્યની ગાથાથી ત્રણ થોયથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના દર્શાવીને શ્રી શાંત્યાચાર્યજીએ પંચાશકજીના ત્રણ ભેદના ઉપલક્ષણથી ચૈત્યવંદનમહાભાષ્યમાં નવ ભેદની ચૈત્યવંદના દર્શાવી તેમાં તમોએ છઠ્ઠા ભેદની ચૈત્યવંદના ત્રણ થોયથી અંગીકાર કરી તો પૂર્વોક્ત ન્યાયે સિદ્ધાંતભાષાએ સાતમા-આઠમા-નવમા ભેદની ચૈત્યવંદના પણ ત્રણ થોયથી અંગીકાર કર્યા વિના મહાભાષ્યના વચન આરાધન કરવા તમને મુશ્કેલ જ પડશે. તથા શ્રાદ્ધવિધિ, પ્રતિમાશતક, સંઘાચારવૃત્તિ, ધર્મસંગ્રહ આદિ અનેક શાસ્ત્રોમાં તથા તમે રચેલા જૈનતત્ત્વાદર્શ, તેમાં કલ્પભાષ્યની ગાથાથી છટ્ઠા ભેદની ચૈત્યવંદના ત્રણ થોયથી કહી છે તે તો અમે માનીએ જ છીએ.