________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદકુઠાર -પ્રસ્તાવના
૧૭ અહીંયાં તો એટલું જ પ્રયોજન છે કે યશોવિજયજીની શ્રદ્ધા શ્રી બુટેરાયજીને હતી. તેથી જ બુટેરાયજીએ સર્વસંવેગી નામ ધારણ કરીને કુગુરુ સમજી તેમનો લિંગ ત્યાગ ન કરી શ્વેત કપડાં ધારણ કરી “અત્યારે જૈન સિદ્ધાંતના કહ્યા મુજબ કોઈ સાધુ અમારા જોવામાં આવ્યા નથી અને અમારામાં પણ તેવું સાધુપણું નથી, માટે હું પણ સાધુ નથી”, આવું કહેતાં.
આ વાત અમદાવાદના સંઘમાં શ્રી બુટેરાયજી અંતસમય સુધી રહ્યા તે સર્વ શેઠિયા અને અમદાવાદના સંઘમાં પ્રસિદ્ધ છે. હવે વિચાર કરો કે આત્મારામજીના ગુરુને સંયમી ગુરુ મળ્યા નહીં અને તેમનામાં સંયમીપણું હતું નહીં, તો આત્મારામજીને સંયમી ગુરુ મળ્યા તેવું કોઈ વિદ્વાન કહી શકે નહીં અને આત્મારામજીમાં સંયમીપણું ક્યાંથી આવે ?
કોઈ અજ્ઞાનના જોરથી એમ કહે કે આત્મારામજીએ જેમ બુટેરાયજીને ગુરુ માન્યા તેમ શ્રી બુટેરાયજીએ નામથી સંવેગી શ્રી મણિવિજયજીને ગુરુ ધાર્યા હોય. તોય જૈનશાસ્ત્ર અનુસાર આત્મારામજીને સાધુ માનવા એ વાત સિદ્ધ થતી નથી. કારણ કે આત્મારામજી પહેલાં તો સ્થાનકવાસી ઢુંઢીયા હતા. પછી મહાવીરસ્વામીના સાધુના સફેદ વસ્ત્ર છોડી પીળા કપડાં ધારણ કરેલાં. પીળા કપડાંવાળાને તો જૈન સાધુ કહેવાય નહીં તે તો આપણે આગળ જોઈ ગયા. વળી, ફરી દીક્ષા લીધી નહીં. જેની પાસે દીક્ષા લીધાનું કહે છે તે પોતે મુખથી કહેતાં કે હું સંયમી નથી. પિતાંબર એવા મણિવિજયની ગુરુપરંપરા તો બહુ પેઢીથી સંયમરહિત હતી. તો ફરી અસંયતિ પાસે દીક્ષા લેવી તે તો જૈનશાસ્ત્રથી વિરુદ્ધ વાત થઈ.
વિજય રાજેન્દ્રસૂરિ તથા અમારા માટે આત્મારામજી લખે છે કે આ બંને ભવભીરુ હોય તો કોઈ સંયમી ગુરુ પાસે ફરી દીક્ષા લેવી જોઈએ. તે તેમનું લખેલું અભિમાન ભરેલું છે. સંવત ૧૯૪૦માં અમદાવાદ ચાતુર્માસમાં શેઠ મૂળચંદભાઈ હઠીસિંગે આત્મારામજી અને અમને એકાંતમાં મેળવી પરસ્પરની વાતો સાંભળેલ. અમારા ગુરુ વિશે આત્મારામજીએ કહેલ ત્યારે અમે શ્રી મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનના પાઠ સંયુક્ત પૂર્વાચાર્યની સાક્ષીથી જવાબ આપેલ. તોપણ કોઈ સંયમી ગુરુ પાસે ફરી દીક્ષા લેવી જોઈએ તેવું વારંવાર લખી પોતાના છિદ્રો ઢાંકે છે.