________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૭
૧૨૯ ભાવાર્થ :
ભવ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આદિથી આક્રાંત છે. ભવના આ જન્માદિ સ્વરૂપને જોવાથી ઉદ્વેગ થાય, તે ભવનો સહજ ઉદ્વેગ છે. વળી, જેમ આચાર્ય આદિમાં કુશલચિત્તાદિ અને વૈયાવચ્ચ યોગબીજ છે, તેમ સહજ ભવઉદ્વેગ પણ યોગબીજ છે; કેમ કે ભવનો ઉદ્વેગ જીવને ભવથી પર અવસ્થા તરફ લઈ જવાનું કારણ બને છે. ભવથી ઉદ્વિગ્ન થયેલો જીવ ભવના કારણભૂત રાગાદિનો ઉચ્છેદ કરીને વીતરાગતા તરફ જવાના યત્ન સ્વરૂપ પરિણામ કરે છે, માટે ભવોઢેગ યોગબીજ છે.
કોઈને ઇષ્ટનો વિયોગ કે અનિષ્ટનો સંયોગ પ્રાપ્ત થાય અને તેના કારણે ક્ષણભર ભવ પ્રત્યે ઉદ્વેગ થાય તે ભવનો ઉદ્વેગ સહજ નથી, માટે તે યોગબીજ નથી; પરંતુ આ ઇષ્ટવિયોગાદિ નિમિત્તથી થયેલો ભવનો ઉદ્વેગ આર્તધ્યાનરૂપ છે; કેમ કે ઇષ્ટવિયોગાદિને કારણે પોતાને પ્રાપ્ત થયેલો ભવ અસાર જણાય છે, તે અસારતા ઇષ્ટવિયોગાદિને કારણે થયેલ ખિન્નતા સ્વરૂપ છે, માટે આર્તધ્યાનરૂપ છે; જ્યારે સહજ ભવનો ઉદ્વેગ સંસારના વાસ્તવિક જન્મ-મરણાદિ સ્વરૂપને જોવાથી ઉત્પન્ન થાય છે, અને સંસારમાં કોઈ પણ ભવ જન્મ-મરણાદિના સર્વથા સ્પર્શ રહિત નથી. માટે વિવેકચક્ષુવાળાને તેવા ભવ પ્રત્યે જે ઉદ્વેગ થાય છે, તે યોગબીજ છે.
ઇષ્ટવિયોગાદિનિમિત્તે ભવઉદ્વેગ આર્તધ્યાનરૂપ છે, તેમાં સાક્ષી આપી. તેનો ભાવ એ છે કે “ઉપસ્થિત થયેલા દુઃખથી ભવ પ્રત્યે જે નિર્વેદ થાય છે, તે દુઃખના દ્વેષરૂપ છે. આવો નિર્વેદ તે વૈરાગ્ય નથી' જે વૈરાગ્ય નથી, તે યોગબીજ નથી.
અહીં વિશેષ એ છે કે યોગની પહેલી દૃષ્ટિવાળા જીવો પણ સદા વૈરાગ્યવાળા નથી હોતા, પરંતુ સંસારના સ્વરૂપનું અવલોકન કરે છે ત્યારે સહજ ભવઉગ ઉત્પન્ન થાય છે. આ ઉપયોગરૂપ અધ્યવસાય યોગબીજ છે. તેથી પહેલી દૃષ્ટિવાળા સંસારના સ્વરૂપનું અવલોકન કરતા હોય અને ભવ પ્રત્યે સહજ ઉદ્વેગ થાય ત્યારે તે યોગબીજ બને.
પહેલી દૃષ્ટિવાળા યોગી ગ્લાનાદિ સાધુને ઔષધાદિ દાનનો અભિગ્રહ કરીને તે પ્રમાણે પાલન કરે તે યોગબીજ છે.
આશય એ છે કે પહેલી દૃષ્ટિવાળા યોગી ગ્લાન સાધુની સંયમની વૃદ્ધિના આશયથી દ્રવ્યઅભિગ્રહ ગ્રહણ કરે કે “આ ગ્લાન મહાત્માઓની ભક્તિ કરીને મારા આત્માનો નિસ્તાર કરું” અને તે રીતે અભિગ્રહનું પાલન કરે, તો તે અભિગ્રહપાલનકાળમાં વર્તતો શુભઅધ્યવસાય યોગબીજ છે.
અહીં ભાવઅભિગ્રહ ગ્રહણ ન કરતાં દ્રવ્યઅભિગ્રહનું પાલન યોગબીજ કેમ કહ્યું ? તેનો ખુલાસો કરતાં કહે છે :
સમ્યકત્વકાળમાં જીવને વિશિષ્ટ પ્રકારનો દર્શનમોહનીયનો ક્ષયોપશમ હોય છે. તે વખતે તે જે રીતે સાધુને, વ્રતોને કે અભિગ્રહને સમજી શકે છે, તેવો ક્ષયોપશમ યોગની પહેલી દૃષ્ટિવાળા જીવને નથી. તેથી તેઓને ભાવથી અભિગ્રહની પ્રાપ્તિ થઈ શકે નહિ; તોપણ ભાવઅભિગ્રહનું કારણ બને તેવું પ્રધાનદ્રવ્યઅભિગ્રહનું પાલન પહેલી યોગદૃષ્ટિવાળા કરે છે, અને તે યોગબીજ છે.