________________
યોગદષ્ટિસમુચ્ચય/સંકલના આઠ દૃષ્ટિનું સ્વરૂપ બતાવતાં, પ્રથમ અન્વર્થ નામવાળી આઠ દૃષ્ટિઓનાં નામ શ્લોક-૧૩માં બતાવેલ છે. તેથી આઠ દૃષ્ટિઓનાં નામથી પણ તે તે દૃષ્ટિનો કંઈક બોધ થાય છે.
વળી આ મિત્રાદિ આઠ દૃષ્ટિઓ ઓઘદૃષ્ટિ કરતાં જુદી છે. તેથી ઓઘદૃષ્ટિ શું છે ? તેનો બોધ કરાવવા અર્થે શ્લોક-૧૪માં ઓઘદૃષ્ટિ બતાવી. તેનાથી એ પ્રાપ્ત થયું કે પારલૌકિક પ્રમેયના વિષયમાં ઓઘદૃષ્ટિ જુદી રીતે પ્રવર્તે છે અને યોગદૃષ્ટિ જુદી રીતે પ્રવર્તે છે. પ્રથમ ચાર દૃષ્ટિ સુધી યોગદૃષ્ટિ છે અને ઓઘદૃષ્ટિ પણ છે. તેથી ચાર દૃષ્ટિ સુધીના યોગીઓમાં ઓઘદૃષ્ટિને કારણે દર્શનભેદની પ્રાપ્તિ થાય છે; અને પાંચમી દૃષ્ટિથી ઓઘદૃષ્ટિ નથી, તેથી સર્વ યોગીઓનો એક યોગમાર્ગ રહે છે. આથી દર્શનભેદની ત્યાં પ્રાપ્તિ નથી.
આઠ દૃષ્ટિઓનું નામથી સ્વરૂપ બતાવ્યા પછી આઠ દૃષ્ટિઓમાં થતા બોધની તરતમતા બતાવવા માટે દૃષ્ટાન્તથી આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ શ્લોક-૧પમાં બતાવેલ છે. (૧) મિત્રાદષ્ટિ :
મિત્રાદષ્ટિમાં તૃણના અગ્નિકણ જેવો બોધ હોય છે. જેમ, અમાસની ગાઢ રાત્રિએ સર્વત્ર અંધકાર વ્યાપ્ત હોય છે ત્યારે તૃણનો અગ્નિકણ કંઈક પ્રકાશ પાથરે છે, તેમ સંસારી જીવોમાં પૂર્વે પારલૌકિક પ્રમેયના વિષયમાં ગાઢ અંધકાર વર્તતો હોય છે, અને કોઈક રીતે કર્મના વિગમનથી યોગમાર્ગને અનુકૂળ ચેતના જીવમાં પ્રગટે છે, ત્યારે મિત્રાદષ્ટિમાં પારલૌકિક પ્રમેયને જોવા માટે સમર્થ એવો તૃણના અગ્નિકણ જેવો બોધ પ્રગટે છે, જેથી જીવ આત્મહિતને અભિમુખ કંઈક યોગમાર્ગમાં યત્ન કરે છે. (૨) તારાદેષ્ટિ :
તારાદષ્ટિમાં ગોમયના અગ્નિકણ જેવો બોધ હોય છે. તેથી ગાઢ અંધકારમાં પણ આ દૃષ્ટિમાં પ્રથમ દષ્ટિના બોધથી કંઈક અધિક તત્ત્વ દેખાય છે; છતાં આ બન્ને દૃષ્ટિના બોધો અતિ અલ્પ હોવાથી યોગમાર્ગની માર્ગાનુસારી પ્રવૃત્તિ કરવા માટે અત્યંત ઉપકારક નથી. (૩) બલાદષ્ટિ -
બલાદૃષ્ટિમાં કાષ્ઠના અગ્નિકણ જેવો પહેલી બે દૃષ્ટિ કરતાં કંઈક અધિક બળવાન બોધ હોય છે. તેથી ગાઢ અંધકારમાં યોગમાર્ગની કંઈક સમ્યક પ્રવૃત્તિ થઈ શકે તેવો યત્ન થાય છે. (૪) દીપ્રાદષ્ટિ:
દીપ્રાષ્ટિમાં દીવાના પ્રકાશ જેવો પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં વિશિષ્ટતર બોધ હોય છે. તેથી ગાઢ અમાસની રાત્રે પણ જેમ દીવાના પ્રકાશથી કંઈક સમ્યક પ્રવૃત્તિઓ થઈ શકે છે, તેમ પારલૌકિક પ્રમેયના વિષયમાં ગાઢ અંધકાર વર્તતા હોય ત્યારે, દીપ્રાષ્ટિના બોધથી કંઈક યથાર્થ પ્રવૃત્તિ થાય છે. તેથી મોક્ષમાર્ગને અનુકુળ ભાવથી વંદનાદિની પ્રવૃત્તિ થાય છે, તો પણ પૂર્ણ સમ્યફ બોધ નહિ હોવાથી ચોથી દૃષ્ટિ સુધી જીવોની દ્રવ્યથી વંદનાદિની પ્રવૃત્તિ છે, એ પ્રકારનો શાસ્ત્રીય વ્યવહાર છે.